Guillain Barrie Syndrome : આ રાજ્યમાં ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS)ના શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 197 પર પહોંચી, દેશમાં આ બીમારીથી અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોત, જાણો ગુલિયન બેરી સિન્ડ્રોમના લક્ષણો વિશે
Guillain Barrie Syndrome : આપણાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં હાલ ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS)ના કેસોએ હાહાકાર મચાવ્યો છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના પુણેમાં ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS)ના કેસોમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, પુણે વિસ્તારમાં ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS)ના શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 197 પર પહોંચી ગઈ છે. આ કેસના પાંચ વધુ દર્દીઓ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પુણેમાં 5 દર્દીઓમાં 2 નવા કેસ અને પાછલા દિવસોના 3 કેસનો સમાવેશ થાય છે. દેશમાં આ બીમારીથી અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોત થયા છે. મુંબઈમાં GBS સિન્ડ્રોમ વાયરસથી પહેલું મૃત્યુ થયું છે. મુંબઈની નાયર હોસ્પિટલમાં 53 વર્ષની ઉંમરે આ વૃદ્ધ વ્યક્તિનું વાયરસથી મૃત્યુ થયું.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે કે, 197 કેસમાંથી 172 કેસોને ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS) માટે સારવાર આપવામાં આવી હતી. લગભગ 40 દર્દીઓ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોના છે, 92 દર્દીઓ PMCમાં નવા ઉમેરાયેલા ગામોના છે, 29 દર્દીઓ પિંપરી ચિંચવાડ નાગરિક હદના છે, 28 દર્દીઓ પુણે ગ્રામીણ છે અને 8 દર્દીઓ અન્ય જિલ્લાઓના છે. 104 દર્દીઓને રજા આપવામાં આવી છે, 50 દર્દીઓ આઈસીયુમાં છે અને 20 દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS) ને કારણે શંકાસ્પદ મૃત્યુની સંખ્યા સાત છે. ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS)એ એક દુર્લભ સ્થિતિ છે જેમાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પેરિફેરલ ચેતા પર હુમલો કરે છે, જેના પરિણામે સ્નાયુઓમાં નબળાઈ, પગ અને હાથમાં સંવેદના ગુમાવવી, તેમજ ગળી જવા અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
શું છે આ ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS) ?
ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS) એક દુર્લભ ન્યુરોલોજીકલ રોગ છે. સામાન્ય રીતે તેના કેસો જોવા મળતા નથી. ડોક્ટરોના મતે આમાં પેરિફેરલ નર્વસ સિસ્ટમને નુકસાન થાય છે. આના કારણે હાથ અને પગમાં નબળાઈ આવવા લાગે છે. આ એક ગંભીર ન્યુરોલોજીકલ રોગ છે. આવી સ્થિતિમાં જો સમયસર તપાસ અને સારવાર કરવામાં આવે તો દર્દી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે.
શું છે ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS)ના લક્ષણો ?
ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS) સામાન્ય રીતે હાથ અને પગમાં કળતર અને નબળાઇથી શરૂ થાય છે. આ લક્ષણો ઝડપથી ફેલાઈ શકે છે અને લકવોમાં ફેરવાઈ શકે છે. તેના શરૂઆતના લક્ષણો નીચે પ્રમાણે હોઈ શકે છે.
- હાથ, પગ, ઘૂંટી કે કાંડામાં ઝણઝણાટ
- પગમાં નબળાઈ
- ચાલવામાં નબળાઈ, સીડી ચઢવામાં મુશ્કેલી
- બોલવામાં, ચાવવામાં કે ખોરાક ગળી જવામાં તકલીફ થવી
- બેવડી દ્રષ્ટિ અથવા આંખો ખસેડવામાં મુશ્કેલી
- તીવ્ર દુખાવો, ખાસ કરીને સ્નાયુઓમાં તીવ્ર દુખાવો
- પેશાબ અને આંતરડાની ગતિમાં સમસ્યા
- શ્વાસ લેવામાં તકલીફ