આજે અમદાવાદ એરપોર્ટ પર એરલાઇન્સને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં એરપોર્ટ પર લેન્ડ થયેલ ફ્લાઇટને ધમકી મળી હતી.
અમદાવાદ એરપોર્ટ પર આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ફ્લાઈટ સવારે 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. બપોરના 12 વાગ્યા સુધી કોઈ પણ મુસાફર બહાર ન નીકળી શક્યા નથી. ધમકીભર્યા પત્રમાં ફ્લાઇટમાં બોમ્બ છે તેવું લખાણ મળી આવ્યું હતું. જેને લઇ મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો છે.
હાલ મળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટ પોલીસ અને CISF તથા ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ એરપોર્ટ પર પહોંચ્યા છે. તમામ એજંસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે તપાસના અંતે કોઇ વાંધાજનક વસ્તુ ન મળી આવતા તંત્રએ રાહત અનુભવી છે. ત્યારે એરપોર્ટ પોલીસે અજાણ્યા પેસેન્જર સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
હાથથી લખેલી ચીઠી મળી આવી
વધુ મળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઈટમાંથી મુસાફરો જ્યારે બહાર નીકળ્યા ત્યારબાદ ક્લીનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી હતી. આ સમયે હાથથી લખેલી ચીઠી મળી આવી હતી. જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. જોકે ધમકી ભરેલી ચીઠી અંગે એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. જે બાદ આ ચિઠ્ઠી એફએસએલમાં પણ મોકલવામાં આવશે તથા જે પણ મુસાફર ફ્લાઈટમાં હતા તેના પણ લખાણના સેમ્પલ લેવામાં આવશે. મુસાફર માંથી કોઈ મુસાફરે ચિઠ્ઠી લખેલું સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનાને લઇ ઝોન 4 ડીસીપી કાનન દેસાઇએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકી મળતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ધમકી આપનાર વ્યકિત અંગે તપાસ કરવામાં આવી રહી છે.