છેલ્લા 2-3 દિવસ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઓછું થયું હતું, પરંતુ બુધવાર રાત 23 જાન્યુઆરીથી વાતાવરણ પલટાયું છે અને ઠંડીમાં વધારો થયો છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને શું કહ્યું છે? આગામી દિવસોમાં ગુજરાતમાં મૌસમ કેવું રહેશે ચાલો જાણીએ.
ગુજરાતના વિવિધ શહેરોમાં છેલ્લા 4-5 દિવસથી ઠંડીની અસર ઓછી થઈ ગઈ હતી અને ગરમીની અસર વર્તાઇ હતી. લોકો સ્વેટર અને જેકેટ સાચવીને પાછા મૂકી દેવાનો વિચાર કરે તે પહેલા જ ગઇકાલ એટલે કે બુધવાર 23 જાન્યુઆરીની સાંજથી મૌસમમાં ઠંડી ફરી દેખાઈ છે. ઠંડા પવન સાથેનું વાતાવરણ દરેક જગ્યાએ હતું ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર 24 જાન્યુઆરીના રોજ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહે તેવી શક્યતા છે.
રાજ્યના વિવિધ શહેરોનું તાપમાન
વાત કરીએ ગુજરાતના શહેરોના તાપમાનની તો હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુરુવારના રોજ નલિયાનું લઘુત્તમ તાપમાન 9.8 રહેશે જે સાથે તે રાજયનું સૌથી ઠંડુ શહેર બનશે તો અમદાવાદમાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 11.8, રાજકોટમાં 12.1, પોરબંદરમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 15.4 અને સુરતમાં 17.7 ડિગ્રી લઘુતમ તાપમાન બની રહેશે. ત્યારે ચાલી જાણીએ કે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં મૌસમનું શું સ્થિતિ હશે.
હવામાન વિભાગની આગાહી
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના મુજબ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે. રાજ્યમાં તાપમાન નીચું જશે અને આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. હાલ ગુજરાતમાં જે પવન ફૂંકાઈ રહ્યો છે તેની દિશા ઉત્તરથી પૂર્વની છે. તો તેમના જણાવ્યા અનુસાર આજે અમદાવાદમાં તાપમાન 14-15 ડિગ્રી આસપાસ રહે તેવી શક્યતા છે.
બીજી તરફ વાત કરીએ અંબાલાલ પટેલની આગાહીની તો તેમના જણાવ્યા અનુસાર 30-31 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં દેશના ઉત્તર ભાગમાં કમોસમી વરસાદ/માવઠું થાય એમ છે. જેની અસર ઉત્તર પ્રદેશથી ગુજરાત સુધી રહેશે. કમોસમી વરસાદના પગલે કૃષિ પાકમાં સાવધાની રાખવી અનિવાર્ય છે. તો વધુમાં તેમણે જણાવ્યું કે, 27 જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાતા ઉત્તર ગુજરાત, કચ્છ, રાજકોટ, જુનાગઢ, જામનગર વગેરે વિસ્તારોમાં 12-13 ડિગ્રી તાપમાન રહેશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીની અસર વર્તાશે.