પ્રજાસત્તાક પર્વે જામનગરમાં વધુ એક વખત વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો અદ્ભુત એર શો યોજાશે. સેનાની ત્રણેય પાંખ જ્યાં આવેલ છે. તેવા જામનગરના ખંભાળિયા હાઇવે, સ્વામિનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં તારીખ 25 અને 26 જાન્યુઆરીના બપોરે 2:15 વાગ્યાથી ભવ્ય શો યોજાશે. જેને નિહાળવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા જામનગરના આકાશમાં રોમાંચક અને અદ્ભુત દાવપેચ રજૂ કરવામાં આવશે. જે ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દેશે. મહત્વનું છે કે સૂર્યકિરણ એરોબેટિક ટીમ ભારતીય વાયુસેનાના રાજદૂત અને તેમના આગવા ટીમ વર્ક માટે જાણીતી છે. આ ટીમ, સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાડશે. આ ખાસ અવસરે લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા આકર્ષક એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે.
આ દરમિયાન વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવશે. સૂર્યકિરણ ટીમમાં 9 હોક Mk132 વિમાનો સામેલ કરવામાં આવ્યા છે, જે ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ પ્રાપ્ત છે અને 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે. ટીમમાં 14 પાયલોટ છે.
વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી એક
SKAT ટીમની વાત કરવામાં આવે તો 1996માં SKAT સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરુદ ધરાવે છે અને તે વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી એક ગણવામાં આવે છે. આ ટીમે ભારતમાં ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700 કરતાં વધુ પ્રદર્શનો કર્યાં છે.
ટીમ લીડર Su-30 MKI પાયલોટ ગ્રુપ કેપ્ટન અજય દાશરથી છે. ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિક છે. અન્ય પાઈલટોમાં સ્ક્વોડ્રન લીડરો જેમાં જસદીપ સિંહ, હિમખુશ ચંદેલ, અંકિત વશિષ્ઠ, વિષ્ણુ, દિવાકર શર્મા, ગૌરવ પટેલ, એડવર્ડ પ્રિન્સ, કોમન ડબલ્યુ રાજેશ, લીડર ડબલ્યુ રાજેશ, કમાન્ડર અર્જુન પટેલ, વિંગ કમાન્ડર કુલદીપ હુડ્ડા અને વિંગ કમાન્ડર એલન જ્યોર્જનો સમાવેશ થાય છે. ટીમને તેમના હવાઈ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજના રંગો કેસરી, સફેદ અને લીલો આકાશમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.