અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એક વખત આગ ફાટી નીકળી છે, જેના પછી હજારો લોકોએ પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લેવો પડ્યો છે. અમેરિકા માટે પણ આ ચિંતાનો વિષય છે કારણ કે તાજેતરમાં જ લોસ એન્જલસમાં આગની બે મોટી ઘટનાઓ બની છે.
લોસ એન્જલસમાં સળગી રહેલી આ આગ કાસ્ટેક લેક નજીકના જંગલ વિસ્તારમાં છે. આ વિસ્તાર ઉત્તર પશ્ચિમ લોસ એન્જલસમાં સ્થિત છે. આગે 8 હજાર એકર અથવા 3,200 હેક્ટર વિસ્તારને લપેટમાં લીધી છે. તળાવની આસપાસ રહેતા લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે લોસ એન્જલસ વિસ્તારમાં જોરદાર અને સૂકી સાંતા એના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગ ફાટી નીકળી છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. આ આગ મોટા વિસ્તારને લપેટમાં લે તેવી શક્યતા છે.
તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા અપીલ
આગ લાગ્યા બાદ પોતાનો સામાન પેક કરી રહેલા એક વ્યક્તિએ અમેરિકન મીડિયાને કહ્યું ‘હું માત્ર પ્રાર્થના કરું છું કે અમારું ઘર બળી ન જાય.’ લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ જેન્સને દરેકને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ લોસ એન્જલસમાં ભીષણ આગને કારણે હજારો ઘરો ધરાશાયી થઈ ગયા છે. એટલું જ નહીં, 2 લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે અને 27 થી વધુ લોકોના મોત થયા છે.
2028માં ઓલિમ્પિકસ યોજાવાની છે
તમને જણાવી દઈએ કે 2028માં અમેરિકાના શહેર લોસ એન્જલસમાં રમતગમતના મહાકુંભ એટલે કે ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. આ કાર્યક્રમ 14 જુલાઈથી 30 જુલાઇ, 2028 સુધી ચાલશે. લોસ એન્જલસને અમેરિકાના સિનેમાનું કેન્દ્ર કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ ઘટનાને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.