Donald Trump WHO : ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOમાંથી અમેરિકાને બહાર કરવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા
Donald Trump WHO : અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા છે અને દેશના 47માં રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું છે. આ તરફ શપથ લેતાની સાથે જ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાનો ‘સુવર્ણ યુગ’ હવે શરૂ થાય છે. પદ સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ઘણા મોટા નિર્ણયો લઈ રહ્યા છે અને ઘણા વહીવટી નિર્ણયો પર હસ્તાક્ષર કરી ચુક્યા છે. આ સાથે ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOમાંથી અમેરિકાને બહાર કરવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા છે. નોંધનિય છે કે, આ પહેલા ટ્રમ્પ અમેરિકાને પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી પણ બહાર લઈ ચૂક્યા છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં અમેરિકાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી ખસી જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતી વખતે ટ્રમ્પે કહ્યું- આ બહુ મોટી વાત છે. તમને જણાવી દઈએ કે, WHO એક આંતરરાષ્ટ્રીય સહાય અને રોગ પ્રતિભાવ જૂથ છે. WHOને ફંડ આપનારા પ્રમુખ દેશોમાં અમેરિકા એક છે. અમેરિકા વર્ષ 1948માં WHOનું સભ્ય બન્યું.
હવે જાણીએ કેટલી મદદ કરે છે અમેરિકા?
WHO ચેપી રોગો તેમજ માનવતાવાદી કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક આરોગ્યના જોખમો સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે આ સંગઠનમાંથી અમેરિકા બહાર નીકળવાથી WHOના ભંડોળમાં મોટો ઘટાડો થઈ શકે છે. વર્ષ 2024-25ના બજેટમાં અમેરિકા દ્વારા WHOને $662 મિલિયનનું ભંડોળ આપવામાં આવ્યું હતું.
હવે જાણો શું કહ્યુ ડોનાલ્ડ ટ્રમ્પે ?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી અમેરિકાને પાછું ખેંચવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતાં કહ્યું કે, જ્યારે હું અહીં હતો ત્યારે અમે વિશ્વ આરોગ્ય સંસ્થાને 500 મિલિયન ડોલર ચૂકવ્યા હતા અને મેં તેનેસમાપ્ત કર્યું. 1.4 અબજની વસ્તી ધરાવતું ચીન માત્ર $39 મિલિયન ચૂકવી રહ્યું હતું અને આપણે 500 મિલિયન ચૂકવતા હતા. તે મને થોડું અન્યાયી લાગ્યું.