RG Kar Case: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સંજય રોયને આજીવન કેદની સજા મળતા ખુશ નથી. તેમણે કોર્ટના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને સીબીઆઈની તપાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
RG Kar Case: કોલકાતાના આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં સિયાલદાહ કોર્ટે ચૂકાદો સંભાળવ્યો હતો. કોર્ટે આ કેસમાં દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે આ નિર્ણય સામે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અસંતોષ વ્યક્ત કર્યો છે.
‘તો ગુનેગારને ચોક્કસપણે મોતની સજા મળી હોત’
મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે કોલકાતા પોલીસ પાસેથી તપાસની જવાબદારી બળજબરીથી છીનવી લેવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘જો આ જવાબદારી કોલકાતા પોલીસ પાસે હોત તો ગુનેગારને ચોક્કસપણે મોતની સજા મળી હોત’.
મમતા બેનરજીએ CBIની તપાસ પર સવાલો ઉઠાવ્યા
મમતા બેનરજીએ મુર્શિદાબાદ જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા આ કેસમાં CBIની તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, ‘અમે બધાએ ફાંસીની સજાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે મૃત્યુ સુધી આજીવન કેદની સજા આપી છે. અમારી પાસેથી બળજબરીથી કેસ છીનવી લેવામાં આવ્યો હતો. જો આ કેસ કોલકાતા પોલીસ પાસે હોત, તો અમે ખાતરી કરી હોત કે તેને મોતની સજા મળે’.
‘અમને ખબર નથી કે તપાસ કેવી રીતે થઈ’
આ કેસ પર બોલતા વધુમાં પશ્ચિમ બંગાળના સીએમએ કહ્યું હતું કે, ‘અમને ખબર નથી કે તપાસ કેવી રીતે થઈ. રાજ્ય પોલીસ દ્વારા તપાસ કરાયેલા સમાન કેસોમાં મૃત્યુદંડની સજાની ખાતરી કરવામાં આવી હતી. હું સંતુષ્ટ નથી.’ નોંધનીય છે કે, સિયાલદહ કોર્ટે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરના ટ્રેઈની ડૉકટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સંજય રોયને દોષી ઠેરવ્યો છે અને તેને મૃત્યુ સુધી આજીવન કેદની સજા ફટકારી છે.
સેશન કોર્ટે રોયને દોષિત ઠેરવ્યો હતો
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા શનિવારે (18 જાન્યુઆરી 2025) સિયાલદહમાં અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અનિર્બન દાસની અદાલતે ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર સામે આચરવામાં આવેલા ગુના માટે રોયને દોષી ઠેરવ્યો હતો. સમગ્ર દેશમાં લાંબા સમય સુધી વિરોધ અને દેખાવો થયા હતા.
આ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી : જજ
એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અનિર્બાન દાસે સજા સંભળાવતા કહ્યું કે, ‘આ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી. તેથી આ કેસમાં તેઓ ગુનેગારને આજીવન કેદની સજા સંભળાવી રહ્યા છે. સજાની સાથે જ સંજય રોય પર 50 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.’
કોર્ટે પીડિતાના પરિવારને વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો
કોર્ટે સંજય રોયને આજીવન કેદની સજા આપ્યા બાદ રાજ્ય સરકારને પીડિતાના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આ અંગે પીડિતાના માતા-પિતાએ કહ્યું કે, ‘તેઓ કોઈપણ પ્રકારનું વળતર ઈચ્છતા નથી’. સંજય રોયને BNSની કલમ 64, 66 અને 103 (1) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કલમો હેઠળ ગુનેગાર માટે મહત્તમ મોતની અથવા આજીવન કેદની જોગવાઈ છે પરંતુ જજે આજીવન કેદની સજા ફટકારી હતી.