ગુજરાતના કેટલાય શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારે અમદાવાદમાં 13.6, ગાંધીનગરમાં 11.5, વડોદરામાં 14 અને સુરતમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું.
દેશભરમાં શિયાળો ચાલી રહ્યો છે અને ઉત્તર ભારતના પહાડો પર બે દિવસથી હિમવર્ષા થઈ રહી છે. જેને પગલે મેદાનો પર પણ કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. ગુજરાતમાં પણ મંગળવારે દિવસના તાપમાનમાં ઘટાડો થયો છે. રાજ્યમાં વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ યથાવત છે. ત્યારે ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. સોમવારની સરખામણીમાં મંગળવારે રાજ્યના કેટલાય શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા દિવસના સમયે પણ ઠંડી અનુભવાઈ હતી. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, મંગળવારે કચ્છનું નલિયા સૌથી ઠંડુ રહ્યું. નલિયામાં મંગળવારે લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી નોંધાયું. જયારે ભુજમાં 11 ડિગ્રી તો કંડલા એરપોર્ટ પર લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું. જયારે સૌરાષ્ટ્રના રાજકોટમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી, કેશોદમાં લઘુત્તમ તાપમાન 11.4, પોરબંદરમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને અમરેલીમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું.
મંગળવારે અમદાવાદમાં 13.6, ગાંધીનગરમાં 11.5, વડોદરામાં 14 અને સુરતમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે.દાસે જણાવ્યું કે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી સાત દિવસ ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. સાથે જ જણાવ્યું કે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં આગામી 48 કલાકમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થઈ શકે છે.
તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાનની આગાહી કરતા જણાવ્યું કે ચાલુ અઠવાડિયાના અંત સુધી ગુજરાતના કોઈ પણ ભાગમાં વરસાદ થવાની સંભાવના નથી. બે દિવસથી પવનની ગતિ વધી છે. હાલ પણ પવન સામાન્ય કરતા વધુ ઝડપે ફૂંકાઈ રહ્યો છે. હા 14થી 18 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી અઠવાડિયા સુધી હવાની ગતિ આવી જ રહેશે. સામાન્યથી થોડો જ વધારે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેથી ઉભા પાકને કોઈ નુકસાન થશે નહીં.
વધુ માહિતી આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આગામી એક-બે દિવસમાં તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. ગુજરાતના અનેક ભાગોમાં તાપમાન સિંગલ ડીજીટમાં નોંધાઈ શકે છે. અમીરગઢ અને નળિયા જેવા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી બે ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. 15 તારીખ સુધી ઠંડી યથાવત રહેશે. આગામી દિવસોમાં કોલ્ડવેવની પણ સંભાવના છે. એટલે પવન ફૂંકાવાની સાથે ઠંડી પણ યથાવત રહેશે.