અમદાવાદથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. જેમાં માત્ર દોઢ કલાકમાં જ અમદાવાદથી રાજકોટ પહોંચી શકાશે.
અમદાવાદ-રાજકોટ વચ્ચે 160 થી 220 કિલોમીટરની ઝડપે સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટ્રેન સાબરમતી મલ્ટિ મોડેલ હબથી ઉપડશે. પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રેલવેનાં સહયોગથી ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સ્થાપના કરી છે. તેમજ 227 કિલોમીટરનો આ રૂટ સંપૂર્ણપણે એલિવેટેડ હશે. તેમજ આ પ્રોજેક્ટની મંજૂરી માટે ડીપીઆર રેલવે બોર્ડમાં મોકલાયો છે. હાઈસ્પીડ ટ્રેનને લીધે 90 મિનિટમાં પહોંચી શકાશે.
અમદાવાદ થી રાજકોટ વચ્ચે મુસાફરીનો સમય ઘટાડવા માટે રાજ્ય સરકારનાં સહયોગથી પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદથી રાજકોટ જો કારમાં જવું હોય તો સાડા ત્રણ થી ચાર કલાક લાગે છે. જો બસમાં જવું હોય તો આશરે સાડા ચારથી પાંચ કલાક થાય છે. સેમી હાઈસ્પીડ ટ્રેન શરૂ થાય તો સમયમાં ઘટાડો થઈ શકે છે. સાબરમતી મલ્ટિ મોડેલ હબ પરથી બુલેટ, મેટ્રો તેમજ રેગ્યુલર ત્રણેય ટ્રેન મળી રહેશે.
હાઈસ્પીડ ટ્રેનનાં સ્ટેશન તૈયાર કરાશે
આ બાબતે ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનાં અધિકારીએ જણાવ્યું હતું કે, સેમી હાઈસ્પીડ ટ્રેન સાબરમતીથી થલતેજ રિંગ રોડની બાજુમાંથી પસાર થઈ શીલજ, સનાથલ, બાવળા, બગોદરા, લીંબડી, ચોટીલા થઈ રાજકોટ પહોંચશે. તેમજ બાવળા-બગોદરા અને લીંબડી ખાતે હાઈસ્પીડ ટ્રેનનાં સ્ટેશન તૈયાર કરવામાં આવશે.
ધોલેરાને બગોદરા સાથે જોડવામાં આવશે
આગામી સમયમાં ધોલેરા ખાતે શરૂ થનાર કંપનીઓને ધ્યાનમાં રાખી ત્યાં કામ કરતા લોકોને આવવા જવામાં સરળતા રહે તે માટે સેમી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનાં અધિકારીઓ જણાવ્યું હતું કે, બગાદરાથી ધોલેરા સુધીનો ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવશે. તેમજ એક વખત પ્રોજેક્ટને મંજૂરી મળી જાય પછી ધોલેરાને બગોદરા સાથે જોડવામાં આવશે.