સાબરકાંઠા બાદ હવે અમદાવાદની પણ ઠગ કંપની પર લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમજ કંપની દ્વારા રોકાણકારોનાં રૂપિયા ચાઉં કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં પણ BZ જેવા વધુ એક કાંડની આશંકા છે. અમદાવાદની યુનિક મર્કન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ કંપની સામે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રોકાણકારોનાં રૂપિયા ચાઉં થઈ ગયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જામનગરનાં 30 લોકો સાથે 5 લાખ કરતા વધુની ઠગાઈ કરવામાં આવી રહી છે. 6 વર્ષમાં નાણા ડબલ કરવાની લાલચ આપી હતી. જામનગરની ઓફીસ બંધ જોવા મળી એટલે ભોગ બનનાર અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદની આશ્રમ રોડ પાસે આવેલી ઓફીસ પાસે રોકાણકારોએ હોબાળો કર્યો હતો. અગાઉ કંપની સામે ફરિયાદ પણ થઈ ચૂકી છે.
પોન્ઝી સ્ક્રીમ
ગુજરાતમાં હાલમાં પોન્ઝી સ્કીમ ચર્ચાના કેન્દ્રમાં છે કારણકે ભૂપેન્દ્ર સિંહ ઝાલાના નામના માસ્ટર માઈન્ડે એજન્ટો રાખીને લોકોને તગડું વ્યાજ આપવાની લાલચ આપીને રૂપિયા 6000 કરોડની ઠગાઈ કરી છે. ત્યારે આજે આપણે જાણીશું કે પોન્ઝી સ્કીમ શું છે અને તેની શરૂઆત ક્યાંથી થઈ હતી અને શા માટે પોન્ઝી સ્કીમ કહેવામાં આવે છે શું છે તે પાછળનું કારણ..
શારદા કૌભાંડનો આધાર પણ પોન્ઝી સ્કીમ હતી
આપણે દરરોજ પોન્ઝી સ્કીમ વિશે સાંભળતા જ હશો. સહારાના સુબ્રત રોયે પણ પોન્ઝી સ્કીમનો ઉપયોગ કરીને લાખો લોકો સાથે છેતરપિંડી કરી હતી. શારદા કૌભાંડનો આધાર પણ પોન્ઝી સ્કીમ હતી. પોન્ઝી સ્કીમના કારણે ઘણા લોકોને એટલું મોટું નુકસાન થયું કે તેમણે આત્મહત્યા પણ કરી લીધી. આવી સ્થિતિમાં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે તેને પોન્ઝી સ્કીમ કેમ કહેવામાં આવે છે? તે કેવી રીતે કામ કરે છે અને કોના નામે તેને પોન્ઝી સ્કીમ કહેવામાં આવે છે? વગેરે વગેરે
પોન્ઝી સ્કીમ શું છે?
પોન્ઝી સ્કીમ એ એક રોકાણનું કૌભાંડ છે. જેમાં રોકાણકારને બેંક કરતા વધારે ઊંચા દરે વળતરનું પ્રલોભન આપવામાં આવે છે. શરૂઆતમાં વિશ્વાસમાં લેવા માટે તગડું વળતર આપવામાં આવે છે. જ્યારે નવા નાણાંનો પ્રવાહ ધીમો પડી જાય છે જેના કારણે નફાની ચૂકવણી ચાલુ રાખવી અશક્ય બની જાય અને પછી છેતરપિંડીની આ યોજના પડી ભાંગે છે. આવા અનેક કિસ્સાઓ દેશમાં બન્યા છે અને તાજેતરમાં જ ગુજરાતમાં કિસ્સો પ્રકાશિત થયો છે.
આવી સ્કીમોનું નામ ચાર્લ્સ પોન્ઝી પરથી રાખવામાં આવ્યું
આવા પ્રકારની છેતરપિંડીનું નામ તે શખ્સ પરથી રાખવામાં આવ્યું જેમણે પહેલીવાર આવી છેતરપિંડીનું કૌભાંડ આચર્યું હતું. આ વ્યક્તિનું નામ હતું ચાર્લ્સ પોન્ઝી, જેણે લગભગ 100 વર્ષ પહેલા એક અનોખું કૌભાંડ કર્યું હતું. માર્ચ 1882માં ઈટાલીમાં જન્મેલા ચાર્લ્સને ‘ફાધર ઓફ પોન્ઝી સ્કીમ’ પણ કહેવામાં આવે છે. સ્ટાર્ટઅપ શબ્દ હવે પ્રચલિત થયો છે, પરંતુ પોન્ઝી સ્કીમ પણ કૌભાંડોની દુનિયામાં એક સ્ટાર્ટઅપ હતી. આ છેતરપિંડીનો એક ઈનોવેટિવ આઈડિયા હતો, જે એટલો લોકપ્રિય થયો કે આજે પણ છેતરપિંડી કરનારાઓ તેની નકલ કરી રહ્યા છે અને થોડા ઘણા ફેરફરા સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
અમેરિકાથી શરૂ થાય છે ચાર્લ્સ પોન્ઝીની કહાની
આ કહાની 1903માં શરૂ થઈ હતી, જ્યારે ઇટાલીમાં રહેતા ચાર્લ્સ પોન્ઝી અમેરિકા ગયા હતા. જેણે જુગાર અને પાર્ટીમાં તેના બધા પૈસા ગુમાવી દીધા હતા. તેજ મગજ હોવાને કારણે તેણે અમેરિકા પહોંચ્યાના થોડા સમયમાં જ અંગ્રેજી બોલતા શીખી લીધું અને એક પછી એક અનેક નોકરીઓ કરી હતી. જો કે, ચોરી અને છેતરપિંડીના કારણે તેને દરેક જગ્યાએથી કાઢી મુકવામાં આવતો હતો. અંતે અમેરિકમાં તેનો મેળ ન પડતા 1907માં તે કેનેડા ચાલ્યો ગયો હતો.
કેનેડામાં પોન્ઝી સ્કીમનો વિચાર આવ્યો
કેનેડામાં પોન્ઝી એક બેંક (Banco Zarossi)માં કામ કરતો હતો. તે અંગ્રેજી, ઇટાલિયન અને ફ્રેન્ચ જાણતો હતો, તેથી તેને સરળતાથી નોકરી મળી ગઈ. ચાર્લ્સ પોન્ઝીને આ બેંકમાંથી જ પોન્ઝી સ્કીમનો વિચાર આવ્યો હતો. તે સમયમાં બેંક રોકાણકારોને 6 ટકા વ્યાજ આપતી હતી, જ્યારે અન્ય બેંક માત્ર 2-3 ટકા વ્યાજ આપતી હતી. હવે સવાલ એ છે કે આ બેંક ઉંચુ વ્યાજ કેવી રીતે આપતી હતી? ખરેખર આ બેંક ફક્ત રોકાણકારો પાસેથી પૈસા લેતી હતી અને જૂના રોકાણકારોને વળતર તરીકે આપી રહી હતી. જ્યારે ચાર્લ્સ પોન્ઝીએ આ બધું જોયું તો તેને પણ આવી જ છેતરપિંડીનો વિચાર આવ્યો. એક દિવસ બેંકના રહસ્યનો પર્દાફાશ થયો અને બેંકનો માલિક લુઈસ ઝારોસી લોકોના પૈસા લઈને મેક્સિકો ભાગી ગયો હતો.
ઘણી વખત જેલની હવા ખાવાનો વારો આવ્યો
આ પછી ચાર્લ્સે ઘણી છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે તેને જેલ જવું પડ્યું હતું. તેણે ખાણકામ કંપનીમાં નર્સિંગની નોકરી પણ કરી હતી, પરંતુ ત્યાં પણ તે ટકી શક્યો ન હતો. આ પછી તેણે ઈન્ટરનેશનલ ટ્રેડ મેગેઝીનનો બિઝનેસ કરવાનું વિચાર્યું. આમાં તેને કોઈ ફાયદો ન થયો, પરંતુ તેને સ્પેનની એક કંપનીનો એવો પત્ર મળ્યો જેણે બધું બદલી નાખ્યું. તેના પર ઇન્ટરનેશનલ રિપ્લાય કૂપન એટલે કે IRC લખેલું હતું. અહીંથી ચાર્લ્સના સારા દિવસોની શરૂઆત થઈ હતી.
IRCની મદદથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું
ત્યારના સમયમાં બે દેશો વચ્ચે પત્ર દ્વારા વાતચીત કરવા માટે IRCનો ઉપયોગ થતો હતો. કંપનીઓ તેમના પત્રો સાથે IRC મોકલતી હતી, જેથી અન્ય પક્ષ પૈસા ખર્ચ્યા વિના તે કૂપનનો ઉપયોગ કરીને જવાબ આપી શકે. તેની કિંમત ઇટાલીમાં ઓછી અને અમેરિકામાં વધુ હતી. ચાર્લ્સ ઇટાલીથી તેને ખરીદીને અમેરિકામાં વેચીને મોટી કમાણી કરવા માંગતો હતો. આ માટે તેને ઘણા પૈસાની જરૂર હતી. તમામ બેંકોએ તેને પૈસા આપવાની ના પાડી દીધી. આ માટે તેણે વિચાર્યું કે લોકો પાસેથી પૈસા એકઠા કરવા જોઈએ.
ચાર્લ્સે કેનેડિયન બેંકની ફોર્મ્યુલા અપનાવી
ચાર્લ્સે કેનેડિયન બેંકની યાદ આવી અને તે જ રીતે પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. ચાર્લ્સે 45 દિવસમાં 50 ટકા વળતર અને 90 દિવસમાં 100 ટકા વળતરનું વચન આપ્યું હતું. આ માટે ચાર્લ્સે સિક્યોરિટી એક્સચેન્જ કંપની નામની એક કંપની પણ શરૂ કરી. માત્ર 3 મહિનામાં પૈસા ડબલ થવાના સમાચાર સાંભળીને ઘણા લોકોએ રોકાણ કર્યું હતું. માત્ર 6 મહિનામાં 2.5 મિલિયન ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા. આ પછી, ચાર્લ્સે ઈંગ્લેન્ડ અને ન્યુ જર્સીમાં એક-એક બ્રાંચ પણ ખોલી હતી.
અસલમાં કોઈ બિઝનેસ મોડલ નહોતું
ચાર્લ્સે બધાને કહ્યું હતું કે, તે IRCની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલો છે, પરંતુ અસલમાં તેણે આવું ક્યારેય કર્યું નથી. લોકો વિચારતા રહ્યા કે ચાર્લ્સ આઈઆરસીમાંથી નફો કમાઈને લોકોને આપી રહ્યો છે, પરંતુ ચાર્લ્સ પોન્ઝી ઝારોસી બેંકની ફોર્મ્યુલા પર કામ કરી રહ્યો હતો. તે નવા રોકાણકારોના પૈસા જૂના રોકાણકારોને આપતો હતો. કહેવાનો અર્થ એ છે કે અહીં અસલમાં કોઈ બિઝનેસ મોડલ નહોતું. બધું માત્ર એક સ્ટાર્ટઅપ સ્કેમ જ હતું. લોકો પણ વધુ સારા વળતરની લાલચમાં રિટર્નને ફરીથી રોકાણ પણ કરવાનું શરૂ કર્યું હતું. બોસ્ટનની લગભગ 70 ટકા પોલીસ અને સરકારી અધિકારીઓએ પણ ચાર્લ્સની કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું હતું.
અને એક દિવસ થયો છેતરપિંડીનો પર્દાફાશ
આ દરમિયાન કેટલાક લોકોને શંકા હતી, પરંતુ જેણે પણ અવાજ ઉઠાવ્યો તેને શાંત કરી દેવામાં આવતો. હવે ચાર્લ્સ એકદમ શક્તિશાળી બની ગયો હતો. મોંઘા ઘર, મોંઘી કાર જેવા લક્ઝરી શોખ ચાર્લ્સની ઓળખ બની ગયા હતા. જો કે અચાનક ચાર્લ્સની કંપનીની તપાસ શરૂ થઈ અને વળાંક આવ્યો. એક દિવસ ખબર પડી કે આ બધી છેતરપિંડી હતી. ચાર્લ્સે જેટલી કમાણી કરી હતી તે મુજબ, લગભગ ચલણમાં 160 મિલિયન IRC હોવી જોઈતી હતી, જ્યારે માત્ર 27 હજાર IRC જ ચલણમાં હતા. યુએસ પોસ્ટલે પણ પુષ્ટિ કરી હતી કે કોઈએ બલ્કમાં IRC ખરીદી નથી. પછી લોકોને ખબર પડી કે અસલમાં ચાર્લ્સ પોન્ઝી IRCનો બિઝનેસ નથી કરી રહ્યા અને પછી ઘણા રોકાણકારોએ તેમના પૈસાની માંગણી શરૂ કરી હતી.
અમેરિકાની બેંકિંગ સિસ્ટમ ઠપ થઈ ગઈ
ચાર્લ્સ પોન્ઝીના પૈસા અમેરિકાની જુદી જુદી બેંકોમાં જમા હતા. જ્યારે ઘણા લોકોએ તેમના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું, ત્યારે અચાનક બેંકો પર મોટો બોજ આવ્યો અને પરિણામ એ આવ્યું કે અમેરિકાની બેંકિંગ સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી. ઘણી બેંકો તો ભાંગી પડી હતી. જ્યારે પોન્ઝી સંપત્તિ વેચીને રિકવરી કરવામાં આવી હતી, ત્યારે માત્ર 30 ટકા જ રકમ વસૂલવામાં આવી હતી. લોકોના પૈસા બમણા કે ત્રણ ગણા થવા તો દૂર, તેમના નાણાં ખરેખર એક તૃતીયાંશ થઈ ગયા હતા. આમ હવે તેના નામે થતી આવી તમામ છેતરપિંડીઓને પોન્ઝી સ્કીમ કહેવામાં આવે છે.
ચાર્લ્સનું મૃત્યુ થયું
ચાર્લ્સ પોન્ઝીનું મૃત્યુ થયું. જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેની પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા હતા. ચાર્લ્સને હાર્ટ એટેક આવ્યો અને ખૂબ જ નબળા પડી ગયો હતો. આંખોની રોશની પણ ધીરે ધીરે જતી રહી. થોડા સમય પછી બ્રેઈન હેમરેજ થયું અને ડાબા હાથ અને પગમાં લકવા થયો હતો. ચાર્લ્સ પોન્ઝીનું 18 જાન્યુઆરી 1949ના રોજ ચેરિટી હોસ્પિટલમાં અવસાન થયું હતું.