મ્યુનિસિપલ- ગ્રામ પંચાયતની ચૂંટણી ગુજરાતમાં : ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને (Local government elections) લઈને તમામ પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ક્યારે યોજાશે તેને લઈને મોટુ અપડેટ સામે આવ્યું છે જેમાં જાણવા મળી રહ્યું છે કે, ઉત્તરાયણ બાદ ગમે તે ઘડી પાલિકા-પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
પાલિકા-ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મોટું અપડેટ
ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયતની 80 નગરપાલિકા સહિત ચારેક હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. મહત્વની વાત તે છે કે, આ વખતે 27 ટકા ઓબીસી અનામતની જોગવાઈ સાથે પાલિકા-પંચાયતની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે. આ ચૂંટણીને લઈને ચૂંટણી પંચે પણ તૈયારીઓ આરંભી દીધી છે. ફેબ્રુઆરીમાં વિધાનસભાનું બજેટ સત્ર મળશે તે પહેલા જ ચૂંટણી પંચ પાલિકા-પંચાયતની ચૂંટણીઓ યોજાઈ જાય તેવી તૈયારીઓ કરી રહ્યુ છે. એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે, આ વખતે પાલિકા-પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાય તેવી પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 470 ગ્રામ પંચાયત, બે જિલ્લા પંચાયત ઉપરાંત જૂનાગઢ મ્યુનિસપલ કૉર્પોરેશન સહિત79 નગરપાલિકામાં ચૂંટણીઓ યોજાશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપની કેવી છે તૈયારી ?
મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી આટલો સમય પસાર થયો છતાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ ના નામ પર મોહર નથી મારી શકી. ત્યારે સવાલ તે થઈ રહ્યો છે કે, પાટીલના કૅબિનેટ મંત્રી બન્યાની વાતને સારો એવો સમય પસાર થઈ ગયો હોવા છતાં ‘ત્વરિત નિર્ણયો’લેવા માટે જાણીતી ભાજપની નેતાગીરી કેમ હજુ સુધી રાજ્યના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક નથી કરી શકી ? ભાજપ પાટીલ જેવા સંગઠન પર પકડ રાખી ચૂંટણીની રણનીતિ ગોઠવી શકે એવા નેતા શોધવાની ગડમથલમાં છે.