રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મેનેજિંગ ડિરેક્ટર,ઔદ્યોગિક વિસ્તરણ બ્યુરો (iNDEXT-B), ગાંધીનગર ખાતેથી ગૌરાંગ મકવાણાની ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે બદલી સાથે નિમણૂંક કરતાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર ગૌરાંગભાઈ મકવાણાએ તા.૦૯મી ડીસેમ્બર,૨૦૨૪ ને સોમવારના રોજ ભરૂચ જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો છે.
ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેકટર ગૌરાંગ મકવાણાએ સને-૨૦૧૨ની સાલમાં ભારતીય વહિવટી સનદી સેવાઓ માટે પસંદગી પામી ગુજરાત કેડરમાં જોડાઇને તેમની યશસ્વી કારકિર્દિનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં વલસાડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી, અમરેલી અને ભાવનગરમાં જિલ્લા કલેક્ટર તરીકે તેમજ છેલ્લે ગાંધીનગર ખાતે મેનેજિંગ ડિરેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો (iNDEXT-B), ગાંધીનગર સહિત સરકારના મહત્વના વિભાગોમાં પદભાર સંભાળ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભરૂચના તત્કાલિન કલેકટર તુષાર સુમેરા(IAS)ની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં,રાજકોટ ખાતે મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બદલી થતાં શનિવારે ભરૂચ જિલ્લા કલેકટરની ફરજમાંથી મુક્ત થયા છે. તેમણે ભરૂચ જિલ્લા ખાતે પુરા ૩ વર્ષ ૧ મહિના અને ૭ દીવસ જેટલા લાંબા કાર્યકાળ બાદ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નવી જવાબદારીઓ સાથે બદલી થઈ હતી. હવે તેમના સ્થાને ભરૂચ જિલ્લામાં ગૌરાંગભાઈ મકવાણા IAS (ગુજરાત ૨૦૧૨)ની નવી નિમણૂક થતા તેઓએ સોમવારથી નિયમીત રીતે જિલ્લા સમાહર્તા તરીકે પદભાર સંભાળ્યો હતો. જિલ્લાના સર્વાંગી વિકાસની દિશાના પ્રયાસોને વધુ સઘન અને વેગવાન બનાવવા અંગેની જરૂરી કાર્ય વ્યવસ્થા અને તેના સુચારુ અમલ માટે જિલ્લા સમાર્હતા ગૌરાંગ મકવાણાએ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.