હિમાચલ પ્રદેશમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં 30 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી છે, આ અકસ્માતમાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું છે જ્યારે મૃત્યુઆંક વધી શકે છે.
Kullu Bus Accident: હજુ મુંબઈના કુર્લા બસ અકસ્માતની ઘટના ભુલાઈ નથી ત્યા હવે હિમાચલ પ્રદેશમાં બસ અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના અની વિસ્તારમાં મુસાફરોથી ભરેલી ખાનગી બસ ઉંડી ખીણમાં ખાબકતા અનેક લોકોના મોતની આશંકા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
અકસ્માતની ઘટના સવારે બની
મળતી માહિતી મુજબ, મંગળવારે (10 ડિસેમ્બર) સવારે એક ખાનગી બસ (NPT) કારસોગ જઈ રહી હતી. આ દરમિયાન સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે સ્વાદ-નિગાન રોડ પર આવેલા શકલદ પાસે બસ ઉંડી ખાડામાં પડી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસ ઘટના સ્થળે જવા રવાના
અકસ્માત એટલો ભયંકર હતો કે બસનો કચ્ચઘાણ નીકળી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે બસમાં 30 લોકો સવાર હતા. માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા
અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કુલ્લુના ડીસી તોરુલ એસ રવીશે જણાવ્યું કે, ‘બસ ડ્રાઈવરનું અકસ્માત સ્થળે જ મોત થયું છે. જ્યારે ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.’