દિલ્હીના શાહદરામાં ફાયરિંગની ઘટનામાં એક વેપારીનું મોત થયું છે. તે મોર્નિંગ વોકથી પરત ફરી રહ્યો હતો ત્યારે બે હુમલાખોરોએ તેના પર ગોળીબાર કરી દીધો.
દિલ્હીના શાહદરામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં મોર્નિંગ વોક પર નીકળેલા એક વ્યક્તિ પર ગોળીબાર કરવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે 7-8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ઓછામાં ઓછી ચાર ગોળીઓ આ વ્યક્તિને વાગી હતી. બાઇક પર આવેલા બે હુમલાખોરોએ હુમલો કર્યો હતો. પીડિત વાસણોનો વેપારી છે અને આ હુમલામાં તેનું મોત થયું છે. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
શાહદરા ડીસીપીએ જણાવ્યું કે, ફર્શ બજાર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની ઘટના અંગે પીસીઆર કોલ આવ્યો હતો. પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે 52 વર્ષીય સુનીલ જૈનને ગોળી વાગી હતી, જેમાં તેઓ ઘાયલ થઈ ગયા હતા. ડીસીપીએ જણાવ્યું કે તેઓ યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મોર્નિંગ વોક કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેમને કહેવામાં આવ્યું કે એક બાઇક પર આવેલા બે વ્યક્તિઓએ તેમને ગોળી મારી દીધી. ક્રાઈમ ટીમને ઘટનાસ્થળે બોલાવીને આગળની તપાસ હાથ ધરી છે.
બે હુમલાખોરોએ કર્યો અંધાધૂંધ ગોળીબાર
ક્રાઈમ સીનની તસવીર પણ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે વ્યક્તિ મોર્નિંગ વોક પરથી આવી રહ્યો હતો, જેને ચાર ગોળી વાગી હોવાનું કહેવાય છે. ક્રાઈમ સીન પર લોહીના ઘણા ડાઘા જોવા મળ્યા છે. સ્કૂટર પણ રોડ પર પડ્યું છે. પોલીસને 8.36 વાગ્યે ઘટનાની માહિતી મળી અને ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી.
કેજરીવાલે લગાવ્યો અમિત શાહ પર દિલ્હીને બરબાદ કરવાનો આરોપ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ શાહદરામાં થયેલ ફાયરિંગની ઘટના પર પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજની એક્સ-પોસ્ટ શેર કરીને તેમણે લખ્યું, “અમિત શાહજીએ દિલ્હીને બરબાદ કરી દીધું છે. તેમણે દિલ્હીને જંગલરાજ બનાવી દીધું ચારેબાજુ લોકો ડરનું જીવન જીવી રહ્યા છે. ભાજપથી હવે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ શકાતી નથી. દિલ્હીના લોકોએ એક થઈને પોતાનો અવાજ ઉઠાવવો પડશે.”
બદમાશોએ રોકીને મારી ગોળી
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે પોતાની X પોસ્ટમાં જણાવ્યું કે, “ક્રાઈમ કેપિટલ – શાહદરા જિલ્લામાં સવારે જ ગોળીઓનો અવાજ ગૂંજી ઉઠ્યો જયારે વાસણોના વેપારી સંજય જૈન મોર્નિંગ વોક કરીને પોતાના સ્કૂટર પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે બદમાશોએ તેમને રોકીને તેમના પર ગોળીબાર કરી દીધો. જણાવવામાં આવી રહ્યું છે કે 6 થી 7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને તમામ ગોળીઓ સંજય જૈનને વાગી છે.”