વર્ષ 1984માં મધ્યપ્રદેશના ભોપાલમાં એક એવી રાત આવી, જેણે એક જ ઝટકામાં હજારો લોકોના જીવ લીધા. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ એ ભયાનક રાતની સાક્ષી બની કે જયારે મોતે ઊંઘમાં જ કેટલાય લોકોને પોતાના શિકાર બનાવી લીધા.
40 વર્ષ પહેલા 2 અને 3 ડિસેમ્બરની એ કાળી રાત… વર્ષ હતું 1984… જયારે મધ્યપ્રદેશના ભોપાલમાં એક જ ઝટકામાં હજારો લોકોના જીવ ગયા. આ એવી રાત હતી કે જેણે હજારો લોકોનું જીવન અંધકારમાં ધકેલી દીધું. આ દિવસ માનવ ઇતિહાસની સૌથી ભયાનક ઔદ્યોગિક ટ્રેજેડીમાંથી એક બની ગયો. યુનિયન કાર્બાઈડ ઈન્ડિયા લિમિટેડ (UCIL)ની ફેક્ટરીમાંથી નીકળતા ઝેરી ગેસે આખા શહેરને મૃત્યુ અને વિનાશની ઝપેટમાં લઈ લીધું. એ રાતે લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે મૃત્યુએ આખા શહેરને પોતાના વશમાં કરી લીધું હતું. આ દુર્ઘટનામાં 5,474 લોકોના મોત થયા અને પાંચ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા. આજે આ દુર્ઘટનાને 40 વર્ષ થઈ ગયા છે, પરંતુ ભોપાલ સહિત સમગ્ર દેશ આજે પણ આ કાળી રાતને ભૂલી શક્યો નથી.
કેવી રીતે થયો હતો 40 ટન ગેસ લીક
યૂનિયન કાર્બાઈડની ફેક્ટરી જંતુનાશકના ઉત્પાદન માટે મિથાઈલ આઈસોસાઈનેટ (MIC) નામના ઝેરી કેમિકલનો ઉપયોગ કરતી હતી. સલામતીના ધોરણોની અવગણના અને જાળવણીમાં બેદરકારીના કારણે ટાંકીમાંથી મોટા પ્રમાણમાં MIC ગેસ લીક થયો હતો. આ ઝેરી ગેસ હવા દ્વારા નજીકના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ફેલાઈ ગયો. આ ગેસ અત્યંત ઝેરી હતો, અને તેના સંપર્કમાં આવતા જ લોકોને શ્વાસ લેવામાં તકલીફ, બળતરા, અંધત્વ અને ફેફસાંની સમસ્યા થવા લાગી. જેના કારણે કોઈ પણ ચેતવણી વિના લોકો તેનો શિકાર બન્યા. આ ગેસે અનેક લોકોના જીવ લીધા. આ ગેસ લીકેજની ઘટના રાતે 10 વાગ્યાની આસપાસ બની હતી અને મોટી સંખ્યામાં તેની અસર જોવા મળવાની સાથે અનેક લોકો ઢળી પડ્યા.
લોકો સમજી ન શક્યા કે આખરે શું થયું
ફેક્ટરીમાં કામ કરતા એક ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે જણાવ્યું કે 3 ડિસેમ્બર, 1984ના રોજ સામાન્ય લોકો માટે દિવસની શરૂઆત સામાન્ય રીતે જ થઈ હતી. શહેરવાસીઓને ગેસ લીકની ઘટના વિશે જાણ સુદ્ધાં નહોતી. તેમને ખબર ન હતી કે રાતના અંધારામાં તેમની ફેક્ટરીમાંથી નીકળેલા ઝેરી ગેસે સમગ્ર શહેરમાં હાહાકાર મચાવી દીધો હતો. તેમણે કહ્યું કે તે દિવસે તેઓ સવારે આઠ વાગ્યાની આસપાસ અરેરા કોલોનીમાં તેમના ઘરેથી નીકળ્યા અને આશા રાખી કે યુનિયન કાર્બાઇડ ફેક્ટરી સુધી પહોંચવા માટે બસ પકડી લેશે. જો કે જેમ જેમ મિનિટો પસાર થતી ગઈ અને સવારે 8:30 સુધી બસ ન આવી, તો તેમની બેચેની વધવા લાગી.
તેમણે જણાવ્યું કે તે સમયે ઇન્ટરનેટ, મોબાઈલ ફોન અથવા સોશિયલ મીડિયા ન હતું. લોકો તેમના શહેર અને દેશમાં થતી ઘટનાઓની માહિતી માટે લેન્ડલાઈન ફોન, ટેલિગ્રામ, રેડિયો બુલેટિન, અખબારો, પાન અને ચાની દુકાનો પર નિર્ભર રહેતા હતા. વૈજ્ઞાનિકે જણાવ્યું, “જ્યારે અમે બસની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે એક રાહદારીએ અમને ગભરાટમાં કહ્યું કે ગેસ લીક થઈ ગયો છે, જેના કારણે ઘણા લોકોના મોત થઈ ગયા છે. મેં પાનની દુકાનમાં ગેસ દુર્ઘટના વિશે સાંભળ્યું. અફવાઓ જંગલની આગની જેમ ફેલાઈ રહી હતી, અને અમને કંઈ સમજાતું ન હતું.”
તેમણે કહ્યું, ‘મેં અને અન્ય લોકોએ ઓટો-રિક્ષામાં ફેક્ટરી જવાનું નક્કી કર્યું. અમે જોયું કે શ્યામલા હિલ્સની ટોચ પર આવેલી ઓફિસના રસ્તે લોકો ભાગી રહ્યા હતા. યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાં, અમે ગેટ પર પોલીસને તૈનાત થયેલા જોયા. પોલીસે અમને અંદર જવા ન દીધા. વૈજ્ઞાનિકે કહ્યું કે તેમણે સાંભળ્યું કે ફેક્ટરીમાંથી ગેસ લીક થઈ ગયો છે અને સરકારી હમીદિયા હોસ્પિટલમાં લાશોનો ઢગલો થયો છે. વૈજ્ઞાનિકે જણાવ્યું કે તે દિવસે ફેક્ટરીએ કર્મચારીઓને ઘરે જવા કહ્યું. તેમજ લોકોના રોષને જોતા કર્મચારીઓને તેમની નેમ પ્લેટ પણ હટાવી લેવાનું કહેવામાં આવ્યું.
ડાકુઓએ મરચાં સળગાવી હોવાની અફવાથી મૃત્યુની હકીકત સુધી
એક વરિષ્ઠ પત્રકાર ગોપાલ જૈને કહ્યું કે કોઈને ખબર ન હતી કે ખરેખર શું થયું અને અફવાઓ ઝડપથી ઉડી રહી હતી. તેમણે કહ્યું, ‘રાત્રે લગભગ 2:30 વાગ્યે, એક મહિલા સંબંધી લાલ અને સૂજી ગયેલી આંખો સાથે ટીન શેડ વિસ્તારમાં મારા ઘરે આવી. તેણે અમને જણાવ્યું કે જૂના ભોપાલ વિસ્તારમાં ડાકુઓએ મોટી સંખ્યામાં લાલ મરચાં સળગાવીને હુમલો કર્યો છે. તેણે કહ્યું કે આખા વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો છે.’ જૈન તરત જ તેમના ઘરની બહાર નીકળ્યા અને જોયું કે ઘણા લોકો જૂના ભોપાલ વિસ્તારમાંથી નવા ભોપાલ તરફ ભાગીને આવી રહ્યા છે. બીજા દિવસે સવારે તેમને હકીકત જાણવા મળી.
જૈને યાદ કરતા કહ્યું ‘હું 3 ડિસેમ્બરની સવારે હમીદિયા હોસ્પિટલ ગયો ત્યારે મામલો સ્પષ્ટ થઈ ગયો. ત્યાં અરાજકતાનો માહોલ હતો. હોસ્પિટલમાં ઘણી લાશો પડી હતી. ત્યાં મને ખબર પડી કે આ કોઈ ડાકુઓ દ્વારા કરવામાં આવેલ હુમલો નથી, પરંતુ તે યુનિયન કાર્બાઇડ પ્લાન્ટમાંથી ગેસ લીક થવાનું પરિણામ હતું.’ પીડિતોમાંથી ઘણા લોકો આજે પણ ગેસની અસર સામે ઝૂઝી રહ્યા છે. દુર્ઘટનાને કારણે લોકોને શ્વાસની બીમારીઓ, આંખમાં બળતરા અને અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
ટ્રેજેડીનો ભયાનક આંકડો
તત્કાલીન સરકારી આંકડાઓ અનુસાર, આ દુર્ઘટનામાં 5,474 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે પાંચ લાખથી વધુ લોકો ગેસની ઝેરી અસરથી પ્રભાવિત થયા. શહેરમાં તે સમયે ઇન્ટરનેટ કે મોબાઈલ ફોન નહોતા, જેથી પરિસ્થિતિની ગંભીરતાનો તરત જ અંદાજો લગાવી શકાયો નહીં.
આજે પણ જોવા મળી રહી છે અસર
આ ઘટનાને ચાર દાયકા વીતી ગયા છે, પરંતુ તેનો ઘા હજુ તાજો છે. હજારો લોકો ગેસના કારણે થતા રોગોનો શિકાર બન્યા, ઘણા પરિવારો નાશ પામ્યા અને તેની અસર પેઢીઓ સુધી રહી. આજે પણ આ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો કોઈને કોઈ શારીરિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રહેનારાને શ્વાસ સાથે જોડાયેલી તકલીફો રહે છે અને સાથે બાળકો વિકલાંગતાના શિકાર બની રહ્યા છે. આજે પણ ભોપાલના લોકો એ રાતને યાદ કરીને કંપી ઉઠે છે. મરચાં સળગાવવાની અફવાથી શરૂ થયેલી આ દુર્ઘટના ભલે ઇતિહાસનો હિસ્સો બની ગઈ હોય, પરંતુ તેની પીડા અસીમ છે.