દિલ્હી તરફ જવા માટે મક્કમ ખેડૂતોએ નોઈડાના મહામાયા ફ્લાયઓવરને ઘેરી લેતા ભારે ટ્રાફિક જામ થયો છે જેમાં અનેક લોકો જામમાં ફસાયા છે. સુરક્ષા માટે લગભગ 5000 સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
Kisan March: સંયુક્ત કિસાન મોરચા (SKM)ના નેતૃત્વમાં આજે (2 ડિસેમ્બર 2024) હજારો ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ નોઈડાથી દિલ્હીના સંસદ ભવન સુધી વિરોધ કૂચ કરશે. હાલ સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ખેડૂતો નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને લાભો માટેની તેમની 5 મુખ્ય માંગણીઓ પર ભાર મૂકશે. ખેડૂતોના વિરોધને કારણે પોલીસે દિલ્હી-એનસીઆરમાં બેરિકેડ લગાવવા અને માર્ગો ડાયવર્ટ કરવા સહિત સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
ખેડૂતોએ નોઈડાના મહામાયા ફ્લાયઓવરને ઘેરી લીધો છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. ખેડૂતોના હોબાળાને જોતા દિલ્હી સરહદની આસપાસ 5 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. નોઈડા પોલીસે કહ્યું હતું કે, ‘ખેડૂતોને કોઈપણ કિંમતે દિલ્હી જવા દેવામાં આવશે નહીં.’
ખેડૂતો ચાલતા તથા ટ્રેક્ટર પર દિલ્હી તરફ કૂચ કરશે
વિરોધ કરી રહેલા ખેડૂતો ભારતીય કિસાન પરિષદ (BKP) અને કિસાન મજદૂર મોરચા (KMM) અને સંયુક્ત કિસાન મોરચા (SKM) સહિત અન્ય સંલગ્ન જૂથો સાથે સંકળાયેલા છે. BKP નેતા સુખબીર ખલીફાના નેતૃત્વમાં આ વિરોધ નોઈડામાં મહામાયા ફ્લાયઓવર પાસે બપોરે 12 વાગ્યે શરૂ થયો હતો અને ત્યાંથી ખેડૂતો ચાલતા તથા ટ્રેક્ટર પર દિલ્હી તરફ કૂચ કરશે.
સુરક્ષા માટે 5000 જવાનો તૈનાત
હાલ આ ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ જો તેઓ સંમત નહીં થાય તો તેમને આગળ જવા દેવામાં આવશે નહીં. સુરક્ષાના કારણોસર 5 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પીએસીના એક હજાર જવાનો તૈનાત છે. લોકો ટ્રાફિકમાં ફસાઈ ન જાય તેના માટે, વૈકલ્પિક માર્ગો સાથે ડાયવર્ઝન રૂટ અને એડવાઈઝરી રવિવારે જ જારી કરવામાં આવી હતી.