ભારતની ફટકાર બાદ કેનેડાના સૂર બદલાયા હતા. જેમાં તેઓ જણાવ્યું છે કે નિજ્જરની હત્યા કેસમાં PM મોદીની કોઈ ભૂમિકા નથી. અન્ય કોઈ ગુનામાં પણ ભારતની કોઈ ભૂમિકા નથી.
ગત વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. ત્યારે ખાલિસ્તાની વોટ બેંકને આકર્ષવા માટે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ભારત પર હત્યાના આરોપ લગાવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઇ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પણ બગડ્યા હતા. જોકે આ ઘટનામાં ભારતે કેનેડાને બરોબરની ફટકાર લગાવી હતી. જે બાદ કેનેડા સરકારના સૂર બદલાયા હતા.
ભારતીય અધિકારીઓની કોઈ ભૂમિકા નથી
તાજેતરમાં કેનેડા સરકાર દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે નિજ્જરની હત્યાના કેસમાં PM મોદી અને અન્ય ભારતીય અધિકારીઓની કોઈ ભૂમિકા નથી. આ ઉપરાંત અન્ય કોઈ ગુનામાં પણ PM મોદી, એસ.જયશંકર અને અજીત ડોભાલની કોઈ ભૂમિકા નથી તેવું કેનેડિય સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ કોઇ પૂરાવા ન મળતા કેનેડાએ પોતાના સૂર બદલ્યા હતા.
અમિત શાહે રચ્યું હોવાનો આરોપ કેનેડાએ લગાવ્યો
ટ્રુડો સરકારે જણાવ્યું કે આ બધી અટકળો જ હતી. નિજ્જરની હત્યાનું કથિત કાવતરું અમિત શાહે રચ્યું હોવાનો આરોપ કેનેડાએ લગાવ્યો હતો. અને રિપોર્ટમાં કહેવાયું હતું કે નિજ્જરની હત્યાના કાવતરાની PM મોદી, એસ.જયશંકર અને અજીત ડોભાલને જાણ હતી. આ રિપોર્ટને લઈ કેનેડાએ સ્પષ્ટતા કરી કે આ આરોપને લઈ તેમની પાસે કોઈ પુરાવા નથી.
ટ્રુડોએ પહેલીવાર ભારત પર લગાવ્યો હતો આરોપ
નોંધનિય છે કે, ગયા વર્ષે સંસદમાં બોલતા જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. આ પછી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. ભારતે ટ્રુડો અને તેમની પાર્ટી પર ખાલિસ્તાનીઓને આકર્ષવા માટે વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં કેનેડાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે કહ્યું હતું કે, ભારત નિજ્જરની હત્યાની તપાસમાં કેનેડાને સહયોગ કરી રહ્યું છે.
ગયા વર્ષે કરાઇ હતી નિજ્જરની હત્યા
ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે, તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું.