આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આજે સેન્સેક્સ 400 પોઈન્ટ્સથી વધુ ગગડીને 77,200ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે, તો નિફ્ટીમાં પણ 150 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો.
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. આજે એટલે કે 21 નવેમ્બરે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 77,200 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટીમાં લગભગ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 23,400 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો અને 5માં વધારો જોવા મળી રહ્યો છે. આજે બેંકિંગ અને ઓટો શેર્સમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી પોર્ટ્સના શેર 10%ની લોઅર સર્કિટમાં છે. જ્યારે આજે આઈટી શેરમાં તેજી જોવા મળી રહી છે.
આજે નિફ્ટી પર આઈટી અને રિયલ્ટી ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે બેન્ક, ફાઇનાન્સિયલ, ઓટો, ફાર્મા, એફએમસીજી અને મેટલ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આજના ટોપ ગેનર્સમાં INFY, TECHM, HCLTECH, TCS, POWERGRID નો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં ADANIPORTS, SBI, NTPC, TATAMOTORS, MARUTI નો સમાવેશ થાય છે.
એશિયન બજારોમાં મિશ્ર કારોબાર
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.83% અને કોરિયાનો કોસ્પી 0.19% ડાઉન છે. જયારે ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં 0.14%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. 20 નવેમ્બરના રોજ, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.32% વધીને 43,408 પર અને S&P 500 0.002% વધીને 5,917 પર બંધ થયો. Nasdaq 0.11% ઘટીને 18,966 પર બંધ થયો. NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 19 નવેમ્બરે ₹3,411 કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹2,783 કરોડના શેર ખરીદ્યા હતા.
આ પણ વાંચો: દેશમાં પ્રોપર્ટીના ભાવ પહોંચશે આસમાને! 11 અબજ ડોલરના રોકાણની અપેક્ષા, આ શહેરોમાં વધુ માગ
19 નવેમ્બરે બજારમાં હતી તેજી
19 નવેમ્બરે સેન્સેક્સ 240 પોઈન્ટના વધારા સાથે 77,578ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 65 અંક વધીને 23518 ના સ્તર પર બંધ થયો હતો. જો કે સેન્સેક્સમાં દિવસના ઉચ્ચ સ્તરેથી 873 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. સવારે સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટ ઉપર હતો. નિફ્ટી ઉપરના સ્તરેથી 262 પોઇન્ટ લપસી ગયો હતો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને કારણે 20 નવેમ્બરે શેરબજાર બંધ હતું.