અમદાવાદમાં દિવસેને દિવસે નશીલા પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. ત્યારે તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના એક વિસ્તારમાંથી વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 1.23 કિલો જેટલા ડ્રગ્સના જથ્થા સાથે 1 આરોપીને ઝડપી પાડ્યો હતો.
અમદાવાદ ડ્રગ્સનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, શહેરમાં થોડા દિવસ અગાઉ નારણપુરા જૈન દેરાસર પાસે આવેલ એલીફંટા સોસાયટીમાં જીગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું.
1.3 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો
જે બાદ આજરોજ વધુ એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાંથી 1.23 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. જિશાન દત્તા નામના ડ્રગ્સ પેડલર પાસેથી 1.3 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. એટલું જ નહીં પોલીસે આરોપી પાસેથી 2 હથિયાર, 40 કાર્ટિજ અને 18 લાખ રૂપિયા રોકડ પણ જપ્ત કર્યા છે.
પોલીસ દ્વારા વધારે તપાસ કરવામાં આવતા આરોપી વિરૂદ્ધ અન્ય કેસો મળી આવ્યા હતા. જેમાં આ આરોપીના નામે અગાઉ 8 ગંભીર ગુના નોંધાયેલા છે. આ કેસોમાંથી આરોપી 2 ગંભીર ગુનામાં વોન્ટેડ જાહેર કરાયો હોવાનું ખુલ્યું છે.
વધુ વાંચોઃ ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ ગુજરાત સરકારનું ઓપરેશન યથાવત, આ વિભાગના 5 અધિકારીઓને અપાઈ નિવૃત્તિ
થોડા દિવસ અગાઉ બનેલ ઘટનામાં 5 ની ઘરપકડ
નારણપુરા જૈન દેરાસર પાસે આવેલ એલીફંટા સોસાયટીમાં 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડીને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં એસઓજી દ્વારા 7 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે સાત માંથી પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.