અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોતના મામલે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં વધુ ખુલાસા થયા હતા. જેમાં હોસ્પિટલ દ્વારા અગાઉ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ફ્રી કેમ્પ કરવામાં આવતા હતા. જેમાં હોસ્પિટલ દ્વારા બાવળાના રૂપાલ, જીવાપુર ગામે યોજાયેલ કેમ્પને લઇ 8 વ્યક્તિને સ્ટેન્ટ મુકાયા હતા, જેમાં 3 વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગામમાં ફરી કેમ્પ કરવાનું કહ્યું હતુ. જેમાં ગામના લોકોએ હોસ્પિટલે કેમ્પ કરવાની ના પાડી દીધી હતી.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના એકબાદ એક કાંડ બહાર આવી રહ્યાં છે. વર્ષ 2023માં બાવળાના રૂપાલ ગામમાં કેમ્પ યોજાયા બાદ 30 લોકોને હોસ્પિટલમાં લવાયા હતા. જે પૈકી 8 વ્યક્તિને સ્ટેન્ટ મૂકી દીધા બાદ એક જ દિવસમાં રજા આપી દેવામાં આવી હતી. જેમાં તે લોકોનું પગ, કમરની તકલીફના નિદાન માટે ગયેલા દર્દીઓને 80 ટકા, 90 ટકા નળીઓ બ્લોક હોવાનું કહીં ઓપરેશન કરી દીધું હતું. ત્યારે ઓપરેશનના ત્રણ મહિનામાં એક મહિલા અને બે પુરુષના મોત થયા હતા.
કિધા વગર સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું
બાવળાના રૂપાલ અને જીવાપુરાના રહીશો ગત વર્ષે જાન્યુઆરીમાં તોરલબેન ગોસ્વામી દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં નિદાન માટે ગયા હતા. આ કેમ્પમાંથી 30 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવાયા બાદ 8 ને પગ કમર જેવી બિમારી હોવા છતાં 80 ટકા, 90 ટકા અને ત્રણ નળીઓ બ્લોક હોવાનું કહીને કિધા વગર સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ટ મૂક્યાની સાથે જ બીજા દિવસે તમામને રજા આપી દેવામાં આવી હતી. ઉપરાંત તમામ દર્દીના PMJAYના કાર્ડમાંથી રૂ.1.25 લાખથી રૂ.1.35 લાખની રકમ કપાઈ હતી. અને તમામ દર્દીઓના ઓપરેશન ડૉ.કલ્પેશ હનસોરા દ્વારા કરાયા હતા.