ઉત્તર પ્રદેશના બિજનૌરના ધામપુર વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે દોડતી કારે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા 7 લોકોના દર્દનાક મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે બેની હાલત ગંભીર જણાવાઈ રહી છે. મૃતકોમાં એક વરરાજા અને દુલ્હન પણ સામેલ હોવાની જાણકારી મળી છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તમામ મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
બિજનૌરના ધામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાયપાસ રોડ પર મોડી રાતે 2 વાગ્યે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ ટેમ્પો રોડની બાજુમાં ખીણમાં ખાબકી ગઇ હતી. જેના લીધે ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં વરરાજા પણ સામેલ હોવાની જાણકારી છે. તમામ મૃતકો ટેમ્પોમાં બેસીને ધામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તિબરી ગામે ઘરે જઈ રહ્યા હતા. મૃતકોમાં 4 પુરૂષ, 2 મહિલા અને એક યુવતી સામેલ છે. આ ઘટના ધામપુર પોલીસ સ્ટેશનના નેશનલ હાઈવે 74ના ફાયર સ્ટેશન પાસે બની હતી.