વિશ્વનું સૌથી ઉંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ દર વર્ષે વધી રહ્યું છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે તેમાં દર વર્ષે 2 એમએમનો વધારો થઈ રહ્યો છે. જેનાં કારણે તેની ઉંચાઈમાં 10 થી 15 મીટરનો તફાવત જોવા મળ્યો છે.
માઉન્ટ એવરેસ્ટ એ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, જે નેપાળમાં આવેલું છે. એક નવાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે 2 મિલીમીટર વધી રહી છે. યુનિવર્સિટી કોલેજ લંડનની સંશોધન ટીમે કહ્યું કે તેની પાછળનું કારણ 75 કિમી દૂર સ્થિત અરુણ નદીનું બેસિન છે.
જે નીચેની ખડકો અને માટીને કાપી રહ્યું છે. જેનાં કારણે તે દર વર્ષે ઉપરની તરફ વધી રહ્યો છે. નવાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એવરેસ્ટની ઊંચાઈ પહેલાં કરતા 15-50 મીટર વધારે છે. હાલમાં માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848.86 મીટર એટલે કે 29032 ફૂટ છે.
અભ્યાસ અંગે એડમ સ્મિથે જણાવ્યું હતું કે, માટીનું ધોવાણ એ જહાજ પર ભરેલાં કાર્ગોને ફેંકી દેવા જેવું હોય છે. આ કારણે જહાજ હળવું થઈ જાય છે અને થોડું ઊંચે તરવા લાગે છે. એ જ રીતે, જ્યારે પોપડો હળવો થાય છે, ત્યારે તે થોડું તરવાનું શરૂ કરે છે.
આ જ પ્રક્રિયાની મદદથી 4 થી 5 કરોડ વર્ષ પહેલાં ભારતીય અને યુરેશિયન પ્લેટોની અથડામણને કારણે સર્જાયેલાં દબાણે હિમાલયનાં નિર્માણમાં મદદ કરી હતી. યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ કહ્યું કે અરુણ નદીનું નેટવર્ક પર્વતને વધારવામાં સતત મદદ કરી રહ્યું છે.
આ નદી હિમાલયમાંથી પસાર થાય છે. જેનાં કારણે તે નદીનાં પટમાં પૃથ્વીને અડીને આવેલાં પોપડાને કાપી નાખે છે. આના કારણે, દબાણ ઓછું થાય છે અને સ્તરની સ્થિતિસ્થાપકતાને લીધે, તે ઉપરની તરફ વધવા લાગે છે.
આ પ્રક્રિયાને આઇસોસ્ટેટિક રીબાઉન્ડ કહેવામાં આવે છે. બેઇજિંગની ચાઇના યુનિવર્સિટી ઓફ જીઓસાયન્સિસના જીઓસાયન્ટિસ્ટ જિન-જેન ડાઇએ જણાવ્યું હતું કે, “મનુષ્યના જીવનકાળમાં પર્વતો સ્થિર દેખાતાં હોવા છતાં, તેઓ સતત વધતાં હોય છે.
અહેવાલમાં માહિતી આપી હતી કે માત્ર માઉન્ટ એવરેસ્ટ જ નહીં પરંતુ તેની સાથે અન્ય શિખરો પણ વધી રહ્યાં છે. આ માટે પણ અરુણ નદીનાં તટપ્રદેશમાં થઈ રહેલાં ધોવાણને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે.
નેચર જીઓસાયન્સમાં પ્રકાશિત સંશોધન પેપર મુજબ, વિશ્વનાં ચોથા અને પાંચમા સૌથી ઊંચા શિખરો, લોત્સે અને મકાલુ, એવાં શિખરો છે જેની ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટ સાથે વધી રહી છે.