દેશમાં એપલ સ્માર્ટ ફોનના ઉત્પાદનમાં અને નિકાસમાં નવા રેકોર્ડ બની રહ્યા છે તે સમયે તામિલનાડુમાં ટાટા ગ્રુપના એપલ ફોન ન્યુ લેબ ઉત્પાદન પ્લાન્ટમાં આગ લાગતા સમગ્ર પ્લાન્ટને મોટુ નુકસાન થયું છે અને તેના કારણે દેશમાં એપલ ફોનના ઉત્પાદન પર મોટી અસર થશે.
દક્ષિણ ભારતમાં ચેન્નાઇ નજીક હાંસલ ખાતેના ટાટા ગુ્રપના આ પ્લાન્ટમાં ભયાનક આગના કારણે ઉત્પાદન બંધ કરી દેવું પડયું છે અને હવે તહેવારોની મોસમમાં આઇફોનની વધતી માંગને પહોંચી વળવા એપલ દ્વારા આઇફોન માટેના મહત્વના પાર્ટસ અને તૈયાર ફોનનો પુરવઠો મેળવવા ચીન અને અન્યત્ર એપલના પ્લાન્ટ પર નિર્ભર રહેવું પડશે. ટાટાના આ પ્લાન્ટમાં આઇફોનના બેક પેનલ અને અન્ય મહત્વના પ્લાન્ટનું પણ ઉત્પાદન થતું હતું ઉપરાંત આ યુનિટમાં આઇફોન-14 અને 15નું પણ પ્રોડકશન થાય છે.
જે ભારત ઉપરાંત નેધરલેન્ડ અને અમેરિકામાં નિકાસ થાય છે અને કેટલાક સ્પેર પાર્ટસ તો ચીન ખાતેના આઇફોનના પ્લાન્ટને પણ પુરા પાડવામાં આવે છે. 250 મીલીયન ડોલરના આ પ્રકારની નિકાસ હાલ સ્તબ્ધ થઇ છે અને તેથી એપલ દ્વારા હવે ચીન ઉપરાંત અન્ય દેશમાં આવેલા એપલના પ્લાન્ટ ઉપર આધાર રાખવો પડશે.
ટાટા ગ્રુપ આ જ કોમ્પ્લેક્ષમાં ચાલુ વર્ષના અંતે આઇફોનના ઉત્પાદન માટે વધુ એક પ્લાન્ટ શરૂ કરવાના હતા. પરંતુ હવે તે પણ શરૂ થશે કે કેમ તે પ્રશ્ર્ન છે. ઉપરાંત 20 હજાર જેટલા લેબર ફોર્સ માટે પણ સમસ્યા છે. ટાટા ગુ્રપનો બેંગ્લોર નજીક એક પ્લાન્ટ ગયા વર્ષે હસ્તગત કર્યો હતો.