વિશ્વનો સૌથી મોટો તહેવાર નવરાત્રીનો આવતીકાલે પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે રાજ્યની બહેનો-દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે ઘૂમી શકે તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ ગરબા આયોજકો અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી કડક સૂચના આપવામાં આવી છે. મેદાનમાં દારૂડિયા, રોમિયો કે ટપોરી આવ્યા.
તો પોલીસ છોડસે નહીં, તેમજ ગરબા મહોત્સવના કોઈ પણ આયોજક કે કમિટીના સભ્ય દારૂ પીધેલ હાલતમાં પકડાશે તો તરત આયોજન બંધ કરાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત શહેરની ભાગોળે આવેલ ગરબા આયોજન તરફ જતાં રસ્તામાં લાઈટની વ્યવસ્થા કરવા પોલીસે કોર્પોરેશન, આયોજક સાથે સંકલન કરી આયોજન કરવામાં આવશે.
વધુમાં ગૃહમંત્રીએ ગઈકાલે સાંજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર, જિલ્લા પોલીસ વડા, રેન્જ આઇજી સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા ગરબા આયોજકો સાથે બેઠક યોજી હતી. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તમામ આયોજકોને જણાવ્યું કે, કોઈ પણ રોમિયો કે ટપોરી ગ્રાઉન્ડમાં આવે અને આયોજકોને ખબર પડે તો પોલીસને જાણ કરવી.
પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી અને એવી ટ્રીટમેન્ટ આપવી જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ આજુ બાજુ રહેણાંક વિસ્તાર હોય તો કોઈને હેરાનગતિ ન થાય તેવું આયોજન સુનિશ્ચિત કરવું જરૂરી છે.
ઉપરાંત શહેરના ભાગોળે યોજાતા આયોજનો માટે આયોજકો અને સત્તાધીશો સાથે બેઠક યોજી, રસ્તા પર અંધારું હોય તો લાઈટ ફીટ કરાવી, દારૂ પીધેલ લોકો ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી ન લે તે માટે ખાસ ધ્યાન રાખવું, પોલીસે આયોજકોની આજુ બાજુ પેટ્રોલિંગ કરવાની પણ પોલીસને સૂચના આપવામાં આવી હતી.
તમામ અધિકારીઓએ તેમના શહેર – જિલ્લાના પીઆઇ, પીએસઆઇ સહિતના જવાનો સાથે બેઠક કરી માહિતી આપવાની પણ સૂચના આપવામાં આવી હતી.નવરાત્રી મહોત્સવ દરમ્યાન તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઓન ગ્રાઉન્ડ એક્ટિવ રહેવાનું રહેશે તેમજ ગરબા મહોત્સવના કોઈ પણ આયોજક કે કમિટીના સભ્ય દારૂ પીધેલ હાલતમાં પકડાશે તો તરત આયોજન બંધ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે.
નવે-નવ દિવસ ટ્રાફીક ડ્રાઈવ, સઘન વાહન ચેકીંગ
નવરાત્રી દરમિયાન શહેરમાં ખાસ રાત્રીના સમયે ટ્રાફીક જામ થતો હોય જેથી શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેવા દ્રશ્યો અગાઉ સામે આવ્યા છે. ત્યારે તેના માટે પણ શહેર પોલીસ ખાસ બનાવ્યો છે અને નવરાત્રીના દરમિયાન નવે નવ દિવસ ટ્રાફીક ડ્રાઈવ ગોઠવવામાં આવશે તેમજ સઘન વાહન ચેકીંગ કરી અસામાજીક તત્વો પર નજર પણ રાખવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.
એડી.સીપીની આગેવાનીમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ
નવરાત્રીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સાંજે એડી. પોલીસ કમિશ્ર્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની આગેવાનીમાં શહેર મધ્યે એ ડીવીઝન પોલીસ વિસ્તારમાં સઘન ફુટ પેટ્રોલીંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં ઘણા અર્વાચીન-પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રાતે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ: ચાલુ રખાશે તો ગુનો નોંધાશે
નવરાત્રી પૂર્વે શહેર પોલીસ સુસજજ બની છે. નવરાત્રી પહેલા ઈન્ચાર્જ પોલીસ કમિશ્ર્નર મહેન્દ્ર બગડીયાએ જાહેરનામું પ્રસિધ્ધ કરી આયોજકોન જણાવ્યું છે કે તા.3/10થી 12/10 સુધી નવરાત્રીના નવ દિવસ દરમિયાન તેમજ દશેરાના એક દિવસ કોઈપણ ખાનગી કે જાહેર સ્થળે રાત્રીના 12 વાગ્યા બાદ કોઈપણ રાસ ગરબા કે કાર્યક્રમમાં માઈક તથા લાઉડ સ્પીકર ચાલુ રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે કોઈ આયોજકો જાહેરનામાનો ઉલ્લંઘન કરશે તેમના વિરૂધ્ધ બીએનએસ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.