લેબનોન જેવા દેશો સાથે યુધ્ધે ચડેલા ઇઝરાયેલ પર ઇરાને હુમલો કરતા યુધ્ધ વધુ વકરવાના ભણકારાથી સોના-ચાંદી તથા ક્રુડના ભાવો સળગ્યા હતા. સોનુ ઓલટાઇમ હાઇ થયું હતું. ચાંદી તથા ક્રૂડમાં પણ ઉછાળો હતો.
મધ્ય પૂર્વમાં કેટલાંક વખતથી ચાલતા ટેન્શનને કારણે સોના-ચાંદીમાં તેજીની કૂચ શરૂ થઇ જ ગઇ હતી. આ યુદ્ધમાં ઇરાને ઝંપલાવીને ઇઝરાયેલ પર મિસાઇલમારો કરતા હવે તે વધુ વકરવાની આશંકા વ્યકત થવા લાગી છે.
ખાસ કરીને અમેરિકા-રશિયા જેવી મહાસત્તાઓ પણ એક બીજાના સમર્થનમાં આકરી ચેતવણી ઉચ્ચારવા લાગી હોવાથી હાલત વધુ ખરાબ થવાની ભીતિ વ્યકત થવા લાગી હતી. ભૌગોલિક ટેન્શનની આ સ્થિતિના ગભરાટ હેઠળ રોકાણમાં સેફ હેવન ગણાતા સોના-ચાંદીમાં ખરીદી નીકળી છે.
રાજકોટમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 400 ઉંચકાઇને 78200 થયો હતો. ચાંદીનો ભાવ 93550 હતો. વિશ્ર્વ બજારમાં સોનુ 2685 ડોલરની ઉંચાઇએ પહોંચીને 2652 ડોલર સાંપડ્યું હતું.
ચાંદીના 31.49 ડોલર હતા. સોના-ચાંદીમાં તહેવારો ટાણે જ ઉંચાભાવને કારણે ઝવેરીઓ ચિંતિત બન્યા છે કારણ કે હવે ખરીદીની સિઝન શરૂ થશે અને ત્યારે સર્વોચ્ચ ભાવથી ડીમાંડ પ્રભાવિત થઇ શકે છે.
સોના-ચાંદીની જેમ ક્રુડતેલ પણ સળગ્યું હતું. ઇરાન યુદ્ધમાં સામેલ થવાને પગલે ક્રૂડ સપ્લાયને સીધી અસર શક્ય છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઉંચકાઇને 75.03 ડોલર સાંપડ્યો હતો.