ચીનની પીપલ્સ લિબરેશન આર્મીને પાકિસ્તાનમાં તૈનાત કરવામાં આવશે. ટૂંક સમયમાં જ પાકિસ્તાન અને ચીન આ દિશામાં સમજૂતી કરવા જઈ રહ્યાં છે. ચીનનું માનવું છે કે પાકિસ્તાન ચીની નાગરિકોની સુરક્ષા કરવામાં સક્ષમ નથી. તે ઈચ્છે છે કે પીએલએ પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા કરવી જોઈએ .
તાજેતરનાં સમયમાં પાકિસ્તાનમાં ચીની નાગરિકોને નિશાન બનાવીને અનેક હુમલા કરવામાં આવ્યાં હતાં. આનાથી શી જિનપિંગ સરકારની ચિંતા વધી ગઈ છે
ચીનનાં નાગરિકોને બખ્તરબંધ વાહનો દ્વારા પાકિસ્તાનમાં પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવશે.
હાલમાં હજારો ચીની નાગરિકો પાકિસ્તાનમાં કામ કરી રહ્યાં છે. પરંતુ તેમનાં પર સતત થઈ રહેલાં હુમલાએ બંને દેશોની ચિંતા વધારી દીધી છે. અગાઉ પાકિસ્તાને ચીની સેનાની તૈનાતીનો વિરોધ કર્યો છે. પરંતુ ચીનનાં ભારે દબાણને કારણે શાહબાઝ સરકારને ઝુકવું પડ્યું હતું
ચીન પાકિસ્તાનનું સૌથી મોટું રોકાણકાર છે. પાકિસ્તાનમાં અબજો ડોલરનાં ચીની પ્રોજેક્ટો વિદ્રોહીઓના નિશાના પર છે. ચીનનો સૌથી મોટો ડર બલૂચિસ્તાન લિબરેશન આર્મી છે. બીએલએ અનેક વખત ચીની નાગરિકો પર હુમલા કરી ચૂક્યું છે. તેને બલૂચિસ્તાનમાં સ્થિત ગ્વાદર પોર્ટને ખાલી કરવાની ચેતવણી પણ આપી છે. પરંતુ ચીને આ બંદરમાં ભારે રોકાણ કર્યું છે.
આ બંદર 50 અબજ ડોલરનાં ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો એક ભાગ છે. ચીને પાકિસ્તાનને ચીની નાગરિકોની સુરક્ષા કડક કરવા જણાવ્યું હતું. આમ છતાં જ્યારે હુમલાઓ બંધ ન થયાં તો ચીને પોતાની સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.