બાંગ્લાદેશની ટીમ હાલ ભારતના પ્રવાસે છે. અહીં બંને ટીમ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. બીજી ટેસ્ટ કાનપુરમાં યોજાઈ હતી, જેમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી. આ સાથે બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટર શાકિબ અલ હસનની ટેસ્ટ કારકિર્દીનો પણ અંત આવી ગયો છે. તેણે બીજી ટેસ્ટ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી.
શાકિબે ટી-20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી. આ સાથે જ તેણે એવું પણ કહ્યું હતું કે, ’મને મારા દેશ બાંગ્લાદેશમાં સાઉથ આફ્રિકા સામે મારા કરિયરની છેલ્લી મેચ રમવાની ઈચ્છા હતી, પણ હજુ સુધી મને નથી લાગતું કે ત્યાં સુરક્ષા છે.’
આવી સ્થિતિમાં કાનપુર ટેસ્ટ શાકિબની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ બની શકે છે.તાજેતરમાં બાંગ્લાદેશમાં બળવો થયો છે. તે દરમિયાન વિરોધને કારણે વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારત આવી ગયા હતા. શાકિબ શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ સાથે પણ જોડાયેલો છે. આ પાર્ટીમાંથી તે સાંસદ પણ બન્યો હતો.
બાંગ્લાદેશમાં આ પાર્ટી સામે જબરદસ્ત ગુસ્સો છે.શાકિબ અલ હસન અમેરિકામાં સ્થાયી થઈ શકે છે શાકિબ વિરુદ્ધ હત્યાનો આરોપ દાખલ કરવામાં આવ્યો છે. આથી તે પોતાની સુરક્ષાને લઈને પણ ચિંતિત છે અને બાંગ્લાદેશમાં પોતાની ધરપકડ થવાનો ડર છે.
આથી તે બાંગ્લાદેશ પરત નહીં ફરવાનું વિચારી રહ્યો છે. એક અહેવાલ એવા પણ છે કે શાકિબ થોડા દિવસ ભારતમાં રહીને પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થઈ શકે છે.