મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે ગાંધી જયંતિ દિને પોરબંદર ખાતે કીર્તિ મંદિરમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલી આપી હતી અને ગાંધી વંદનામાં સામેલ થયા હતા તેમજ સર્વ ધર્મ પ્રાર્થનામાં પણ તેઓ સહભાગી થયા હતા. તેમની સાથે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખભાઇ માંડવીયા પણ જોડાયા હતા.
મુખ્યમંત્રીએ પૂ. બાપુને પુષ્પાંજલી અર્પણ કરતા જણાવ્યું કે, બાપુના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી આપણને આઝાદીના અમૃત કાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે. અહિંસાએ નમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચિંધનાર પૂ. બાપુનુ જીવન એ જ એમનો સંદેશ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પૂ. મહાત્મા ગાંધીના અંત્યોદયના મંત્રો સાથે ગરીબો, ખેડૂતો, યુવાનો અને નારીને વિકસીત ભારતના ચાર સ્તંભ તરીકે સશકત કર્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ પણ જણાવ્યું કે રાજય શાસનમાં પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોય શકે છે.
તે પૂ. બાપુએ વિશ્ર્વને ચિંધ્યો હતો અને વડાપ્રધાન મોદીએ પૂ. બાપુના સ્વચ્છતા બુનિયાદી શિક્ષણ સહિતના સિધ્ધાંતો અમલમાં મૂકીને વિકસીત ભારતનું નિર્માણ શરૂ કર્યુ છે. આ તકે પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ મુખ્યમંત્રીને પ્રિય તેવો ચરખો અર્પણ કર્યો હતો.