ગુજરાતમાં ચોમાસાની વિદાય પૂર્વે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ સાત ઇંચ સાથે 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં 20 મીનીટ સુધી 110 કિલોમીટરની ઝડપે પવન સાથે મીની વાવાઝોડુ ફુંકાતા વ્યાપક તારાજી સર્જાઇ હતી. 320થી વધુ વૃધો, વિજપોલ અને હોર્ડીંગ ધરાશાયી થયા હતા. મકાનોની બારીના કાચ તૂટ્યા હતા. 29 વાહનો દબાયા હતા અને જુદી-જુદી દુર્ઘટનામાં 4 લોકોનો ભોગ લેવાયો હતો. તોફાની પવન સાથે બે કલાકમાં 3 ઇંચ વરસાદ પણ ખાબક્યો હતો.
વડોદરા શહેરની માઠી હોય તેમ તાજેતરમાં અનરાધાર વરસાદથી તબાહી સર્જાયા બાદ ગઇ સાંજે એકાએક વાતાવરણ પલ્ટાયું હતું. વરસાદના પ્રારંભ સાથે તોફાની પવન ફુંકાયો હતો. 110 કિમીના પવને સતત 20 મીનીટ સુધી તાંડવ સર્જતા વ્યાપક ખાના ખરાબી સર્જાઇ હતી. અનેક સ્થળોએ વસ્તુઓ ફંગોળાઇ હતી. એક કેબીન આખી હવામાં દુર ફેંકાઇ ગઇ હતી, ઝાડ, હોર્ડીંગ, વિજ થાંભલા ધરાશાયી થતા 29 વાહનો દટાયા હતા.
તેમાં 14 કાર, 14 ટુ-વ્હીલર તથા એક રીક્ષાનો સમાવેશ થતો હતો. વિજ થાંભલો પડતા ત્રણ દુકાનોને પણ નુકશાન થયું હતું. જુદા-જુદા સ્થળોએ 300થી વધુ ઝાડ-થાંભલા-હોર્ડીંગ ધસી પડ્યા હતાં.
પવનનું તાંડવ એટલું ભયાનક હતું કે ગગનચૂંબી ઇમારતોના ફેલોટમાં બારી-દરવાજાના કાચ તૂટી પડ્યા હતા અને રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
નવરાત્રીના રાસોત્સવની તૈયારીમાં વિક્ષેપ હતો. મેદાનોમાં પાણી ભરાવા ઉપરાંત પતરા ઉડ્યા હતા.
વરસાદી દુર્ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. ઝાડ અને બોર્ડ માથે પડતા એક યુવક તથા આધેડનું મોત થયું હતું. જ્યારે ભારે વરસાદમાં બાઇક સ્લીપ થતાં એક યુવકનું મોત નિપજ્યું હતું.
દરમ્યાન મેઘરાજાએ નવો રાઉન્ડ શરુ કરતા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં હળવો ભારે વરસાદ થયો હતો. સુરતના ઉંમરપાડામાં સાત ઇંચ વરસાદથી જળ બંબાકારની હાલત સર્જાઇ હતી. સુરત શહેર પણ ત્રણ ઇંચ વરસાદથી પાણી…પાણી થયું હતું. રાજ્યના નવસારી, મહેસાણા, અમરેલી, પંચમહાલ, રાજકોટ સહિતના જીલ્લાઓમાં વ્યાપક વરસાદ થયો હતો. ગુજરાતના 60 તાલુકામાં વરસાદની માત્ર 1 ઇંચથી વધુ હતી.