મ્યુનિ. કોર્પોરેશનમાં વર્ષોથી વિવાદમાં રહેલી પીપીપી આવાસ યોજના સામેનો વિરોધ હજુ ચાલુ જ છે. આજે નાનામવા વિસ્તારના જય ભીમનગરમાં ગોલ રેસીડેન્સી સામે મુકવામાં આવેલ પીપીપી આવાસ યોજનાના અસરગ્રસ્તો સુત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે મનપાએ પહોંચ્યા હતા. પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમાર, મનપા વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની આગેવાનીમાં કમિશ્નરને આવેદનપત્ર પાઠવી આ યોજના રદ્દ કરવા માંગણી કરી છે.
આજે સ્કુટર રેલીના સ્વરૂપમાં વિસ્તારના લોકો ઢેબર રોડ પહોંચ્યા હતા. બાદમાં હાથમાં ઝંડા લઇને કોર્પો.માં આવ્યા હતા. આ બાદ પ્રાંગણમાં ભ્રષ્ટાચાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા અને કમિશ્નર જ આવેદનપત્ર સ્વીકારે તેવી માંગણી કરી હતી. આજે ફરી મનપામાં આ રજુઆતના કારણે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. બાદમાં કમિશ્નરે પ્રાંગણમાં આવીને આવેદન સ્વીકાર્યુ હતું.
આગેવાનો અને વિસ્તારના લોકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે નાનામવા સર્વે નં. 123 પૈકીની ટીપી 20, એફપી 54, 55-1 અને 54-બી જમીન બાબતે મનઘડત અને ષડયંત્રકારી પીપીપી આવાસ યોજના રદ્દ કરવા તેઓની માંગણી છે કે 2014થી કોર્ટ કાર્યવાહી ચાલુ હોવા છતાં આ ટેન્ડર પ્રક્રિયા આગળ વધારીને બિલ્ડરોને લાભ આપવા કારસ્તાન કરવામાં આવ્યું છે.
કોર્પો. પાસે બીજી ખુલ્લી જગ્યા હોવા છતાં મજૂર અને અનુ.જાતિના શ્રમજીવી લોકોના ઘર છિનવવા જય ભીમનગરમાં સ્કીમ મુકવામાં આવી છે. કોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો હતો જે પેન્ડીંગ હોવાથી 2015માં કોર્પો. અને કલેકટરના અધિકારીઓની હાજરીમાં પંચનામુ કરવામાં આવ્યું હતું. આ જગ્યાએ તમામ પ્રાથમિક સુવિધા છે.
જે તે વખતે આ જગ્યા નાનામવા પંચાયતમાં આવતી હતી. તેમાં ટીપી સ્કીમ બાદ ત્રણ પ્લોટમાં યોજના બેસાડવામાં આવી છે અને સ્થળ પર કોઇ ચકાસણી વગર આયોજન કરવામાં આવ્યું છે. ગાઇડલાઇન મુજબ 70 ટકા લોકોની સંમતિ હોય ત્યારે યોજનાનો અમલ થઇ શકે છે. 700 કરોડની બજાર કિંમત ધરાવતી જમીન લાગતા વળગતાઓને 103 કરોડમાં આપવા પ્રયાસો થઇ રહ્યા છે. વર્ષોથી આ લોકો અહીં રહે છે. કોર્પો. એ જ તમામ સગવડતા આપી છે. આ તમામ બાબતો જાણવા છતાં ટીપી શાખા દ્વારા બિલ્ડર સાથે સાંઠગાંઠ કરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.
શહેરના વેલનાથપરા વિસ્તારની જમીનમાં પણ કોર્પો. તથા સરકાર દ્વારા પીપીપી યોજના લાગુ કરવામાં આવી છે. તેમાં હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. આ યોજના ખાનગી જમીન પર લાગુ પડતી નથી. આથી જય ભીમનગરની યોજના રદ કરવા માંગણી કરી છે. આ આયોજન કરનારાએ ફરી ટેન્ડર પ્રક્રિયા કરી છે. મેટર સબજયુડીશ હોવા છતાં અને મનાઇ હુકમની માંગણી છતાં થયેલી કાર્યવાહી રદ્દ કરવા તેઓની માંગણી છે.
તાજેતરમાં સિવિલ કોર્ટના એક મેટરમાં ડિમોલીશન ન કરવા અને યથાવત સ્થિતિ જાળવવા હુકમ કરાયો હતો. હાઇકોર્ટમાં પણ એક કેસમાં આવો ચુકાદો આવ્યો હતો. દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં સુપ્રિમ કોર્ટે પણ ડિમોલીશન રોકાયું હતું. આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અસરગ્રસ્તો સામુહિક આત્મવિલોપન કરશે. અગાઉ સ્ટે. કમીટીમાં લેવાયેલા નિર્ણયો રદ્દ કરવા પણ માંગણી કરી છે.
શહેરમાં અનેક સ્થળે આવાસ, ગાર્ડન, પુલના હેતુના પ્લોટમાં આ જ રીતે બાંધકામો કરી લેવામાં આવ્યા છે. શરત ફેરની કાર્યવાહી રોકવામાં આવી નથી. 1980થી જય ભીમનગરમાં રહેતા લોકોને પણ બેઘર કરવા ન જોઇએ. આ જગ્યાએ 57236 ચો.મી.માંથી 5000 ચો.મી. સિવાયની 52236 ચો.મી. જમીન બિલ્ડરોને મળે તો તેની બજાર કિંમત 700 કરોડ થાય છે. આ સંજોગોમાં ન્યાયિક નિર્ણય લેવા કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી. આ રેલીમાં ડી.ડી.સોલંકી, મહેન્દ્રભાઇ, જીતુભાઇ, સમાજના આગેવાનો જોડાયા હતા.