રાજયની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ભરવા માટે આખરે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત આપી દેવામાં આવી છે. ધો.11 અને 12માં 4092 શિક્ષકોની જગ્યાઓ માટે આગામી 10મીથી 21મી ઓકટોબર સુધી અરજી સ્વીકારવામાં આવશે.
સરકારી સ્કૂલોમાં 1608 અને ગ્રાન્ટેડ હાઈસ્કુલમાં 2494 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતીની જાહેરાત 1લી સપ્ટેમ્બરથી કરવાનું નકકી કરાયું હતું. પરંતુ જુના શિક્ષકોની ટ્રાન્સફર સહિતની પ્રક્રિયામાં વિલંબ થતા હવે ભરતી માટે જાહેરાત આપવામાં આવી છે.
ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલમાં કુલ 2484 જગ્યા માટે ભરતી કરાશે. જેમાં ગુજરાતી માધ્યમની 2416 અને અંગ્રેજી માધ્યમની 63, હિન્દી માધ્યમની 5 જગ્યા ભરાશે. આ જ રીતે ઉચ્ચતર માધ્યમિક સરકારી સ્કૂલોમાં 1608 જગ્યાઓમાં ગુજરાતી માધ્યમની 1603 અને અંગ્રેજી માધ્યમની 5 જગ્યા ભરાશે. વર્ષ 2023માં લેવાયેલ ટાટ-એચએસમાં 60 ટકાથી વધુ માર્કસ મેળવનારા ઉમેદવારો અરજી કરી શકશે.
શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2011થી સેન્ટ્રલાઈઝ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ટાટ અને સ્નાતક, અનુસ્નાતક વગેરેના માર્કસને પણ ધ્યાનમાં લેવાતા હતા, પરંતુ હવે પછી માત્ર ટાટના માર્કસના આધારે ભરતી કરવાનું નકકી કરવામાં આવ્યું છે.