ત્રણેય સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો
સિલ્વર બેલ્સ સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકે ડિઝીટલ કરન્સી ખરીદવા માટે આંગડીયા મારફતે રૂા.5,50,000 રાજકોટના શખ્સને મોકલી આપ્યા બાદ ત્રણે શખ્સે ડિઝીટલ કરન્સી ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં ભરતનગર પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુનીલ સંજયભાઇ કેવલરામાણીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઋતુરાજસિંહ સરવૈયા (રહે.તળાજા) હર્ષરાજસિંહ જાડેજા ઉર્ફે બંટી અને હર્ષ સોની (રહે.રાજકોટ)ના નામ જણાવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી ડિઝીટલ કરન્સી ખરીદવા માગતા તેમણે ઋતુરાજસિંહને વાત કરતા તેણે કરન્સીનો ભાવ રૂા.89 કહ્યો હતો. ફરિયાદીએ હા કહેતા તેણે રાજકોટના હર્ષ સોનીને પૈસાનું આગંડીયું કરવા જણાવ્યું હતું.
ફરિયાદીએ આંગડીયા મારફતે રૂા.5,50,000 મોકલતા હર્ષ સોનીએ આ નાણાં મેળવી લીધા હતા અને ત્યાર બાદ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. ફરિયાદીએ ઋતુરાજસિંહનો સંપર્ક કરી વાત કરતા તેણે હર્ષરાજસિંહ જાડેજાનો સંપર્ક કરવાનું કહ્યું હતું. ફરિયાદીએ હર્ષરાજસિંહનો સંપર્ક કરતા તે ગોળગોળ વાતો કરતો હતો. આમ, ત્રણે શખ્સોએ ડિઝીટલ કરન્સીના બહાને રૂા.5,50,000નો ચૂનો લગાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.