વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરૂદ્ધ પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવતાં ભાજપમાં હડકંપ મચી ગયો છે. પીડિત મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભાજપનો આ કાર્યકર્તા ચૂંટણી દરમિયાન ભાજપના આગેવાનો સાથે સક્રિય હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે.
નંદેસરી પોલીસ મથકમાં પરણિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવારે રાત્રે જ્યારે તે સૂતી હતી તે દરમિયાન આકાશ ભગવાનભાઇ ગોહિલ નામનો વ્યક્તિ તેના ઘરે ઘૂસી આવ્યો હતો અને બળજબરીપૂર્વક તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આકાશે આ વાત કોઈને પણ કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો.
આ ઉપરાંત પીડિતાના ફોનમાં વોટ્સએપ ચેટ પણ ડિલીટ કરી હોવાની વાત પણ પરણિતાએ કરી હતી. આ અંગે પીડીતાએ પરિવારજનોને જાણ કરતાં તેમણે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ પરણિતાના મેડિકલ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત એફ.એસ.એસ.એલની મદદ લઇને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.