લગ્ન કરવાનું વચન આપી તે નિભાવવામાં નિષ્ફળ જનાર પુરૃષના દરેક કિસ્સામાં આઇપીસીની કલમ-376 હેઠળ બળાત્કારનો ગુનો લાગુ પાડી શકાય નહી. આઇપીસીની કલમ-498 હેઠળ ક્રૂરતાનાના કેસોની જેમ હવે સહમતિપૂર્વકના જાતીય સંબંધોને પાછળથી બળાત્કારના આરોપો લગાવવામાં કેસો વધી રહ્યા છે એમ જસ્ટિસ દિવ્યેશ એ.જોશીએ એક પુરુષની સામે ફરિયાદ રદ કરતા નોંધ્યું હતું.
જૂનાગઢના કેશોદ ખાતે વર્ષ 2019 માં નોંધાયેલી ફરિયાદ મુજબ લગ્ન કરવાનું વચન આપી મહિલા સાથે શારીરિક સંબંધના કેસમાં પુરૃષ સામે નોંધાયેલી બળાત્કારની એફઆઇઆર રદબાતલ ઠરાવતાં ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પુરૃષને ત્યારે જ દોષિત ઠરાવી શકાય કે, જયારે એ બાબત સાબિત થાય કે, તેણે લગ્નનું વચન કોઇ ઇરાદા સાથે આપ્યુ હતું, તે એકમાત્ર કારણ કે, જેને લઇ મહિલા સેક્સ્યુઅલ સંબંધ માટે સંમંત થઇ હતી.
પ્રસ્તુત કેસમાં બનાવ વખતે પીડિત છોકરી 19 વર્ષની હતી અને તે પહેલેથી જ શું સાચુ છે અને શું ખોટુ છે અને તેની સાથે આવુ કૃત્ય કરવા માટેની સંમંતિ અપાય તો શું પરિણામો આવશે તે સમજી શકે તેવી પુખ્યવયે પહોંચી ગઇ હતી. ફરિયાદના આક્ષેપો જોતાં કલમ-376 હેઠળનો અન્ય કોઇપણ શ્રેણીનો કેસ આરોપી વિરુદ્ધ બનતો નથી કે, જેથી અરજદારને ટ્રાયલની પ્રક્રિયામાંથી પસાર થવુ પડે.
વળી આ કેસમાં વળાંક ત્યારે આવ્યો હતો કે મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે આરોપી સાથેના શારીરિક સબંધોમાં કારણે તે ગર્ભવતી બની હતી અને ત્યારબાદ બાળકને જન્મ આપવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા કરવામાં આવેલી ડીએનએ ટેસ્ટ માં આ બાળકનો જૈવિક પિતા આરોપો નાં હોવાનું બહાર આવ્યું હતું. આથી હાઇકોર્ટ ટકોર કરી હતી કે આ હકીકતો સામે આવતા કેસ ટકવા પાત્ર રહેતો નથી.
અદાલતે આઇપીસીની કલમ-376ને ટાંકતા વધુમાં જણાવ્યું હતું કે, ઉપરોકત જોગવાઇનું શરતી અવલોકન એ સ્પષ્ટ કરે છે કે, સમગ્ર જોગવાઇમાં કોઇ વ્યકિત મહિલા પર તેના પ્રત્યેના પ્રેમને લઇ દુષ્કર્મ આચરે છે તે વિશે સ્પષ્ટતા નથી. કારણ કે, પ્રેમ શબ્દમાં જ સંમંતિ ધરાવે છે. કલમ-376(2)(જે)માં એવી મહિલાને લગતી છે કે, જે સંમંતિ આપવા માટે અસમર્થ છે, જેનો અર્થ છે કે, કાં તો તે નાની ઉમંરની છોકરી છે, જે આ વસ્તુઓ સમજવા અને સંમંતિના પરિણામો સમજવા માટે અપરિપકવ છે અથવા માનસિક રીતે અક્ષમ છોકરી-મહિલા છે.
હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, હવે સવાલ એ ઉભો થાય છે કે, આરોપી દ્વારા લગ્નનું વચન આપવામાં આવ્યું હોવાની સ્ત્રીની વાત એટલી વિશ્ર્વાસપાત્ર હોઇ શકે કે જેથી આરોપીને દુષ્કર્મના ગુના માટે દોષિત ઠરાવી શકાય..? જવાબ છે ના. દરેક કિસ્સામાં જયાં કોઇ પુરૃષ કોઇ સ્ત્રીને લગ્નનું વચન આપવા છતાં તેની સાથે લગ્ન કરવામાં નિષ્ફળ જાય છે તો તેને બળાત્કારના ગુના માટે દોષિત ઠરાવી શકાય નહી. ઉપરોકત અવલોકનો સાથે હાઇકોર્ટે અરજદાર પુરૃષ વિરૃધ્ધની ફરિયાદ અને તેને આનુષંગિક કાર્યવાહી રદબાતલ ઠરાવી હતી.