મોંઘવારી ભથ્થામાં વધારો, ડી.એ. સહિતના 11 જેટલા પડતર પ્રશ્ર્નો અંગે તાજેતરમાં જ એસ.ટી. કર્મચારીઓના ત્રણે યુનિયનોની સંકલન સમિતિએ સરકારને તા.25 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપેલ છે.
ત્યારે ગત માસમાં જ સરકારે એસ.ટી. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કર્યો છે. જો કે સંકલન સમિતિના હોદેદારોના જણાવ્યા મુજબ સરકારે 8 ટકાના વધારાની માંગ સામે માત્ર 4 ટકાનો જ વધારો જાહેર કર્યો છે જે એસ.ટી. કર્મચારીઓને મંજુર નથી અને અન્ય પડતર પ્રશ્ર્નો પણ યથાવત છે.
જેમ કે જાન્યુઆરી-2022ની 3%, જુલાઈ-2022ની 4%, જાન્યુઆરી-2023ની 4% એમ કુલ 11% મોંઘવારી ભથ્થાના ચડત એરીયર્સની રકમ ચૂકવણી બાબતે નિગમ દ્વારા સરકારમાં મંજુરી અર્થે દરખાસ્ત કરેલ છે. જેમાં રીમાઈન્ડર પત્ર પણ તા.28-2-2024ના રોજ પાઠવેલ છે, પરંતુ હજુ સુધી નિગમના કર્મચારીઓને એરીયર્સની રકમ ચૂકવાયેલ નથી.
જેથી કર્મચારીઓને એરીયર્સના નાણા સત્વરે ચૂકવવા જુલાઈ-2023ની 4% વધેલ મોંઘવારીની ચૂકવણી સરકારમાં તેમજ અન્ય બોર્ડ-નિગમોમાં કરી દેવામા આવેલ છે. સદર ચૂકવણા માટે નિગમ દ્વારા સરકારમાં મંજુરી અર્થે દરખાસ્ત કરેલ છે પરંતુ હજુ સુધી આ મોંઘવારી ભથ્થાનો લાભ નિગમના કર્મચારીઓને મળેલ નથી.
જયારે નિગમમાં ચાલુ ફરજે અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિતોને રાજય સરકારના ઠરાવ અનુસાર રૂા.14 લાખની ઉચ્ચક આર્થિક સહાયનો લાભ આપવા નિગમ દ્વારા જરૂરી મંજુરી માટે સરકારમાં દરખાસ્ત કરેલ છે.
જેથી આ પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી નિગમના આશ્રિતોને રૂા.14 લાખની ઉચ્ચક આર્થિક સહાયનો લાભ આપવા તથા નિગમમાં વર્ષોથી ફરજ બજાવતા પાર્ટટાઈમ કર્મચારીઓના કામના કલાકોમાં વધારો કરી કાયમી કરવા અથવા તો રાજય સરકાર દ્વારા જાહેર કરેલ લઘુતમ વેતનનો લાભ આપવા માટે સમાધાન થયેલ છે, પરંતુ આજ દિન સુધી નિગમ કક્ષાએથી કાર્યવાહી થયેલ નથી.
તા.20-9-2022ના રોજ વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં પાર્ટ-2ની માંગણીઓ બાબતે ચર્ચા કરી નિરાકરણ લાવવા સમાધાન થયેલ પરંતુ નિગમ દ્વારા આજ દિન સુધી આ બાબતની કોઈ ચર્ચા યોજેલ નથી જેના કારણે ડ્રાયવર-કંડકટરને સીધી અસર કરતા વિવિધ એલાઉન્સ બાબતે વિસંગતતા હોવાના કારણે કર્મચારીઓને આર્થિક નુકશાન થાય છે.
ઉપરોકત પ્રશ્ર્નોનો હજુ સુધી કોઈ હલ આવ્યો ન હોય તા.25 બાદથી કર્મચારી સંકલન સમિતિએ આપેલુ લડતનુ એલાન હજુ યથાવત છે.