મુંબઇ શેરબજારમાં તેજીનો દોર સતત આગળ ધપતો રહ્યો હતો. સેન્સેક્સ તથા નિફટી ઉપરાંત મીડકેપ ઇન્ડેક્સે પણ નવી ઉંચાઇ બનાવી હતી. બીએસઇનું માર્કેટકેપ 476 લાખ કરોડની નવી ઉંચાઇએ પહોંચ્યું હતું.
શેરબજારમાં આજે શરૂઆત સુધારાના ટોને થઇ હતી. અમેરિકાએ વ્યાજદર ઘટાડ્યા બાદ વિશ્ર્વભરમાં માનસ બદલાયું હોય તેમ વૈશ્ર્વિકસ્તરે તેજીનો પોઝીટીવ પડઘો રહ્યો હતો. વિદેશી નાણાં સંસ્થાઓની ચિક્કાર લેવાલીની સારી અસર હતી.
શુક્રવારે વિદેશી સંસ્થાઓએ રેકોર્ડબ્રેક ખરીદી કર્યાના આંકડા જાહેર થયા હતા. આવતા દિવસોમાં ખરીદી વધારશે તેવો આશાવાદ વ્યકત થતો હતો. ભારતીય અર્થતંત્રના વિકાસદરનો અંદાજ વધારાયાની પણ સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ તેજીના ઝોનમાં જ છે અને જંગી રોકાણ ચાલુ રહ્યું હોવાથી નવા શિખર સર કરી રહ્યું છે. કોઇ વિપરીત કારણો ન હોવાથી રાહત હતી.
શેરબજારમાં આજે કોટક બેંક, મહિન્દ્ર, મારૂતી, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા સ્ટીલ, ટાઇટન, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, ઓએનજીસી, બજાજ ઓટો, કલ્યાણ જ્વેલર્સ, પી.એન. ગાડગીલ જ્વેલર્સ ઉંચકાયા હતા. ઇન્ફોસીસ, લાર્સન, ટીસીએસ, ટેક, મહિન્દ્ર, એશિયન પેઇન્ટસ, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, આઇશર મોટર્સ, ડીવીઝ લેબમાં ઘટાડો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 356 પોઇન્ટના સુધારાથી 84900 હતો તે ઉંચામાં 84922 તથા નીચામાં 84607 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 138 પોઇન્ટ ઉંચકાઇને 25929 હતો તે ઉંચામાં 25945 તથા નીચામાં 25847 હતો. બીએસઇમાં આજે 334 શેરો વર્ષની ઉંચાઇએ પહોંચ્યા હતા. આ 442માં તેજીની સર્કિટ હતી. માર્કેટકેપ 476 લાખ કરોડને વટાવી ગયું હતું.