રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ પહેરાવવામાં આવ્યો છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં આયોજિત મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 સ્પર્ધાનો ખિતાબ જીત્યાં બાદ રિયા સિંઘાએ કહ્યું કે, ’આજે ટાઈટલ જીત્યાં બાદ હું ખૂબ જ આભારી છું. મેં આ સ્તર સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી હતી.
આ સ્તરે પહોંચ્યાં પછી, હું મારી જાતને આ તાજ માટે લાયક માની શકું છું. તેને કહ્યું કે તે અગાઉનાં વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છેઉર્વશી રૌતેલાએ રિયાને વિજેતાનો તાજ પહેરાવ્યો હતો.
વિજેતા જાહેર થયાં બાદ ઉર્વશીએ કહ્યું, “મને ખબર છે કે બધી છોકરીઓ શું અનુભવ કરી રહી છે.” ઉર્વશીએ વધુમાં કહ્યું કે રિયા મિસ યુનિવર્સનાં વૈશ્વિક પ્લેટફોર્મ પર આપણાં દેશનું ખૂબ સારી રીતે પ્રતિનિધિત્વ કરશે.
ઉર્વશીએ કહ્યું, “મને પૂરી આશા છે કે ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ મેળવશે. બધી છોકરીઓ ખૂબ જ મહેનતુ, સમર્પિત અને ખૂબ જ સુંદર છે.”
મિસ યુનિવર્સ રિયા સિંઘા અમદાવાદી
રિયા સિંઘા મુળ ગુજરાતનાં અમદાવાદની રહેવાસી છે. 19 વર્ષીય રિયાના ઇન્સ્ટાગ્રામ બાયો મુજબ, તે ટીડીએક્સ સ્પીકર છે. તે મોડલ હોવા ઉપરાંત અભિનેત્રી પણ છે. તે હાલમાં પર્ફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી રહી છે. એટલું જ નહીં, રિયા એક ફેશન ડિઝાઈનર છે, જે આધુનિક વિરાસતને સંસ્કૃતિ સાથે જોડવાની પ્રતિભા ધરાવે છે.