ગુજરાતમાં સરેરાશ કરતાં પણ વધુ વરસાદ વરસાવનારા મેઘરાજાએ હવે વિદાય લેવાનું શરૂ કર્યું હોય તેમ અર્ધા કચ્છ અને દ્વારકામાંથી પાછુ ખેંચાયું છે. તો બીજી તરફ એક સપ્તાહ સુધી હળવો-ભારે વરસાદ વરસાવી શકે તેવી સિસ્ટમ પણ સર્જાઇ છે. આમ ચોમાસાને લગતા બે વિરોધાભાસી પરિબળો ઉભા થયા હોવાનું જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કહ્યું છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે નૈઋત્ય ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે. આજે પશ્ચિમ રાજસ્થાન તથા કચ્છના અમુક ભાગો (અર્ધા કચ્છ) તથા દ્વારકા લાઇનમાંથી વિદાય લઇ લીધી છે.
સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર આસપાસ વિદાય થતું હોય છે તેની સરખામણીએ છ દિવસ મોડું થયું છે. ચોમાસુ લાઇન અનુપગઢ, બિકાનેર, જોધપુર, ભુજ તથા દ્વારકા સુધી છે. આવતા ચોવીસ કલાકમાં પશ્ચિમ રાજસ્થાનના વધુ ભાગો, પંજાબ, હરિયાણા તથા ગુજરાત આસપાસમાંથી પાછુ ખેંચાવા માટેના સાનુકુળ સંજોગો છે.
બીજી તરફ મધ્ય બંગાળની ખાડીમાં 5.8 કિ.મી.ની ઉંચાઇએ અપર સેર સાયક્લોનીક સરક્યુલેશન છે અને વધતી ઉંચાઇએ તેનો દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવી રહ્યો છે. આ સિસ્ટમની અસર હેઠળ આવતા 24 કલાકમાં મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી પર લો-પ્રેસર સર્જાવાની શક્યતા છે.
તા.24 થી 30 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે અપર એર સાયક્લોનીક સરક્યુલેશન તથા લો-પ્રેસરની સ્થિતિ ગુજરાત-સૌરાષ્ટ્રને અસર કરશે. કોઇ-કોઇ દિવસ રાજ્યમાં છુટા છવાયા ઝાપટા અને કોઇ દિવસ વ્યાપક વિસ્તારમાં સાધારણ-મધ્યમ વરસાદ થઇ શકે છે. અમુક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના છે.
તેઓએ એમ કહ્યું કે, રાજ્યના જુદા-જુદા ભાગોમાં વરસાદની માત્રા તથા વિસ્તારમાં મોટો તફાવત રહેવાની સંભાવના છે.
(નોંધ:- રાજ્યના જે ભાગોમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ હોય ત્યાં વરસાદ પડે તો માવઠુ ગણાશે અને સામાન્ય માવઠાની જ સંભાવના છે)