રાજકોટના ગુંદાવાડીમાં રહેતા સોની પરિવારના નવ સભ્યોએ આજે સવારે 11:00 વાગ્યા આસપાસ પોતાના ઘરે જેવી દવા પી લેતા તમામને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મુંબઈની પેઢીને આપેલ સોનાના બદલામાં પોણા ત્રણ કરોડ રૂપિયાનું પેમેન્ટ અટકી જતા સોની પરિવાર ભીષ્મ આવી ગયો હતો અને આ પગલું ભરી લીધું હતું.
સિવિલ હોસ્પિટલના સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, સવારે 11:30 વાગ્યા આસપાસ લલીતભાઈ વલ્લભભાઈ આડેસરા (ઉ.વ.72), મીનાબેન લલિતભાઈ આડેસરા (ઉ.વ.64), ચેતનભાઇ લલિતભાઈ આડેસરા (ઉ.વ.45), દિવ્યાબેન કેતનભાઇ આડેસરા (ઉ.વ.43), જય ચેતનભાઇ આડેસરા (ઉ.વ.21), વિશાલ લલિતભાઈ આડેસરા (ઉ.વ.43), સંગીતાબેન વિશાલભાઈ આડેસરા (ઉ.વ.42), વંશ વિશાલભાઈ આડેસરા (ઉ.વ.15), હેતાન્શી વિશાલભાઈ (ઉ.વ.7) (રહે. તમામ યમુના કુંજ મકાન, ગુંદવાડી શેરી નં.26, ગોવિંદપરા પાછળ, રાજકોટ)ને હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. તમામે ઝેરી દવા પીધી હોવાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી.
ડોકટરોએ તુરંત સારવાર શરૂ કરી હતી.ચેતનભાઈએ જણાવ્યું કે, આજે સવારે અગિયાર વાગ્યા આસપાસ પોતાના ઘરે ઉધઈ મારવાની ઝેરી દવા પી લીધી હતી. મુંબઈના વેપારી પેઢીના વિજય કૈલાસજી રાવલ, મહેન્દ્રભાઈ, પ્રશાંતભાઈ, નિર્મલ આ બધા મુંબઈ રહે છે. જેને 4 કિલો 22 કેરેટ સોનું જેની કિંમત આશરે પોણા ત્રણ કરોડ થાય 11 મહિના પહેલા સોનાનો માલ બનાવીને આપ્યો હતો. પાર્સલથી માલ મોકલતા હતા. જેનું પેમેન્ટ આરોપીઓએ આપ્યું નહોતું.
જેથી ઉછીના પૈસા લઈને ઘર ચલાવતા હતા. મૂળ ધ્રોલના પરિવારને સોની બજારના ખત્રીવાડમાં ચેતન આડેસરા નામે સોનાના વેપારની પેઢી છે, મુંબઈના વેપારી સહિતની ટોળકી સામે પગલાં લેવા અગાઉ પોલીસમાં રજુઆત કરી હતી.
જોકે, આરોપીઓ તમે મુંબઈ આવીને પેમેન્ટ લઈ જાવ તેવા ખોટા બહાના આપતા હતા. એ પછી છેલ્લે 15 દિવસનો વાયદો આપ્યો હતો પણ આ દિવસો પણ વીતી જતા પેમેન્ટ ન આવતા મુંબઈની પેઢીને સોનુ આપ્યા બાદ એકાદ વર્ષથી પેમેન્ટ કરવા બહાના બનાવતા આર્થિક ભીંસમાં આવી ગયેલ પરિવારે પગલું ભર્યું હતું. જોકે તમામની તબિયત સ્થિત હોવાનું જાણવા મળે છે.
હવે નાણાંની ઉઘરાણી કરી તો સોપારી આપી તારા જ પૈસાથી તારી જ હત્યા કરાવી નાખીશું
સોની પરિવારને ફોન પર ધમકી મળી હતી, પ્રશાંત પોસ્ટુરે, વિજય રાવલ, નિર્મલકુમાર, મહેન્દ્રના નામ આપ્યા
રાજકોટ, તા.21
કેતન હાઉસ, ખેતસી વોરાની શેરીના ખુણા પાસે, ખત્રીવાડ, સોનીબજારમાં પેઢી ધરાવતા અને ગુંદાવાડી શેરી નં.26માં રહેતા ચેતનભાઈ લલીતભાઈ આડેસરાએ પોલીસ કમિશનરને સંબોધી કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, મારે સોના-ચાંદીના દાગીના બનાવવાનો અને વેચવાનો ધંધો છે. મારે ભારત ભરમાં ધંધો છે. અમારે ઘણા વર્ષોથી ધંધો કરતા પ્રશાંત યશવંત પોસ્ટુરે (26, ઓવેલ વાડી, મટકા ગલી, પહેલા માળે ઓફિસ નં.15, વિઠલવાડી, કાલબાદેવી) એ 2023 ની સાલમાં મુંબઇ ઝેવરી બજારમાં 108, 112 ઉસ્તાદ બીલડીગ, શેખ મેમન સ્ટ્રીટ, પહેલામાળે માહી ગોલ્ડ નામે પેઢી ધરાવતા વિજય કૈલાશજી રાવલ નામના વેપારી સાથે રાજકોટ આવી પરીચય કરાવ્યો હતો.
બાદમાં મુંબઇના વિજય રાવલ સાથે અમે ધંધાકીય વ્યવહાર શરૂ કર્યો હતો. અને તા.3/8/2023 થી તા.15/12/2023 સુધીમાં સોનાના 6481 ગ્રામ સોનાના દાગીના મોકલાવેલા હતા. જેમાથી 3478 ગ્રામ સોનાના દાગીનાનુ પેમેન્ટ વિજય રાવલએ આરટીજીએસથી મોકલવેલ હતુ. અને બાકીના સોનાના દાગીનાના 3003 ગ્રામની રકમ અમારે લેવાની બાકી હોય જેનો જીએસટી અમે ભરપાઈ કર્યો છે.
બાદમાં અમે આ બાકી રૂા. 1,95,49,347ની ફોન ઉપર તેમજ રૂબરૂ તેમજ ઓળખાણ કરાવનાર વેપારી પ્રશાંત પોસ્ટુરે મારફત પણ વાત કરવામાં આવતા બન્ને શખ્સો દ્વારા અનેક વચન વિશ્વાસ અને વાયદાઓ કરવામાં આવ્યા હતા. તેમજ આ બન્ને શખ્સોને વિજય રાવલના અન્ય બે સાગરીતો અને કર્મચારી નિર્મલકુમાર, મહેન્દ્ર દ્વારા પણ મદદગારી કરવામાં આવી હતી.
આ વિજય રાવલ, પ્રશાંત પોસ્ટુરે અને નિર્મલકુમાર તેમજ મહેન્દ્ર દ્વારા પૂર્વઆયોજીત કાવત્રુ રચી ધંધાના બહાને રૂ.1,95 કરોડથી વધુની કિંમતના સોનાના દાગીના ઓળવી જવાનો પ્લાન ઘડવામાં આવી મરણ મુડી સમાન માતબર રકમ ઓળવી જવામાં આવી છે. તેમજ અમને વિજય રાવલ અને પ્રશાંત પોસ્ટુરે દ્વારા ફોનમાં હવે પછી આ નાણાની ઉઘરાણી કરવામાં આવશે. તો તારી તારા જ પૈસાથી સોપારી આપી રાજકોટમાં જ હત્યા કરાવી નાખીશ. તેવી ધમકી આપવામાં આવી હતી.
આ વિજય રાવલ તેમજ પ્રશાંત પોસ્ટુરે સહીતના શખ્સો અગાઉ મુંબઈમાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે. અને ગુનેગારો સાથે અને સ્થાનીક પોલીસ સાથે પણ સાંઠગાંઠ ધરાવતા હોય અને એકદમ જનુની હોય અને સોપારી આપી હત્યા કરાવી નાખવાની ધમકી આપવામા આવી અમે અને પરીવારજનો ભયભીત થઇ ગયા હતા.
આ અંગેની તપાસ ક્રાઈમબાંચને સોપવામાં આવે તેવી નમ્ર વિંનતી છે. તેમ જણાવી સોની વેપારી ચેતનભાઈએ પૂર્વ આયોજીત કાવત્રુ રચી વિશ્વાસઘાત-છેતરપીડી કરનાર મુંબઇના વેપારી સહીતની ટોળકી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.