શારજાહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે ત્રણ મેચની વનડે સિરિઝ
અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ઓડીઆઇ સિરીઝ રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનના બોલરોએ તબાહી મચાવી હતી. તેમણે પ્રથમ 10 ઓવરમાં અડધાથી વધુ દક્ષિણ આફ્રિકાની ટીમને આઉટ કરી દીધી હતી.
અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે પ્રથમ વખત વનડે શ્રેણી રમાઈ રહી છે. બંને ટીમ આ સીરીઝ યુએઇમાં રમી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ શારજાહના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી ધમાકેદાર શરૂઆત જોવા મળી હતી. અફઘાનિસ્તાને પાવરપ્લેમાં જ સાઉથ આફ્રિકાની આખી બેટિંગનો નાશ કર્યો હતો. સ્ટાર બેટ્સમેનથી સજેલી દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ 10 ઓવરમાં અડધીથી વધુ ટીમ ગુમાવી દીધી હતી.
અફઘાનિસ્તાન માટે આ મેચમાં ફઝલહક ફારૂકી અને અલ્લાહ ગઝનફરે પ્રથમ 10 ઓવરમાં બોલિંગની કમાન સંભાળી હતી. આ બંને બોલિંગ તરફથી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ફઝલહક ફારૂકી અને અલ્લાહ ગઝનફરે પાવરપ્લેમાં 3-3 વિકેટ ઝડપી હતી. આ સાથે જ એક બેટ્સમેન પણ રન આઉટ થયો હતો. જો કે પાવરપ્લે બાદ સાઉથ આફ્રિકા તરફથી સાતત્યપૂર્ણ બેટિંગ જોવા મળી હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી રીઝા હેન્ડ્રિક્સ અને ટોની ડી જોર્જીએ ઈનિંગ્સની શરૂઆત કરી હતી. પરંતુ બંને ઓપનર વધુ સમય સુધી મેદાન પર ટકી શક્યા ન હતા. દક્ષિણ આફ્રિકાને પહેલો ફટકો રીઝા હેન્ડ્રિક્સના રૂપમાં લાગ્યો હતો, જેણે 9 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ સાથે જ ટોની ડી જોર્જી પણ 11 રનનું યોગદાન આપી શક્યો હતો. આ પછી કેપ્ટન એડન માર્કરામ પણ ટીમ માટે કંઈ કરી શક્યો નહીં અને માત્ર 2 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. ટ્રિસ્ટન સ્ટબ્સ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. કાયલ વેરીન પણ 10 રન બનાવી શક્યો હતો અને જેસન સ્મિથ 0 રન પર આઉટ થયો હતો. સાતમો ફટકો એંડિલે ફેહલુકવાયોના રૂપમાં આવ્યો, તે પણ ખાતું ખોલાવી શક્યો નહીં.