તમામ વ્યવસ્થા, સુરક્ષા સહિતની બાબતોનું નિરીક્ષણ કરશે
પાકિસ્તાનમાં 2025માં યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની તમામ વ્યવસ્થા તથા સુરક્ષાની સમીક્ષા કરવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)નું એક પ્રતિનિધિમંડળ કરાચી પહોંચ્યું હતું. પાંચ સદસ્યના આ પ્રતિનિધિમંડળમાં આઇસીસીના ઇવેન્ટ તથા સુરક્ષા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ક્રિકેટ જનરલ મેનેજર તથા પ્રોડક્શન મેનેજરનો સમાવેશ થતો હતો.
એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં આઇસીસીની પિચ ક્ધસલ્ટન્ટ એન્ડી એટક્ધિસન ત્રણ વાર પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂક્યા છે. પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આઇસીસીનું આ પ્રતિનિધિમંડળ ટુર્નામેન્ટના પ્રસ્તાવિત કાર્યક્રમ અંગે પણ વિગતવાર ચર્ચા કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ કાર્યક્રમ થોડા મહિના અગાઉ મોકલી આપ્યો હતો પરંતુ તેમાં ફેરફારની શક્યતા રહેલી છે કેમ કે ભારત જેવા કેટલાક દેશે પાકિસ્તાનમાં પ્રવાસ કરવાનો ઇનતાર કર્યો છે અને એ સંજોગોમાં કેટલીક મેચ પાકિસ્તાનમાંથી ખસેડીને અન્ય સ્થળે યોજાય તેવી શક્યતા રહેલી છે.
આઇસીસીનું આ દળના સૂત્રોના જણાવ્યા મુજબ ટુર્નામેન્ટના કાર્યક્રમનું મહત્વ એટલા માટે વધી ગયું છે કે ભારતની તમામ મેચો લાહોરમાં યોજાનારી છે પરંતુ ભારત સરકાર તેમની ટીમને લાહોર કે પાકિસ્તાન મોકલવાની મંજૂરી આપી રહી નથી. આમ આ કારણસર પણ કાર્યક્રમમાં ફેરફારની જરૂર પડવાની છે.
આ સંજોગોમાં ચેમ્પિયન્સ ટ્રોફીની કેટલીક મેચો અન્ય દેશમાં અને ખાસ કરીને દુબઈમાં ખસેડાય તેવી સંભાવના રહેલી છે.કરાચીમાં હાલમાં સ્ટેડિયમનું સમારકામ થઈ રહ્યું છે અને આ દળ તેનું નિરીક્ષણ કર્યા બાદ સમગ્ર ટુર્નામેન્ટ માટે હોટેલની વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ ઇસ્લામાબાદ જશે અને ત્યાંથી લાહોર જઈને આ જ પ્રકારની સમીક્ષા કરશે. આઇસીસીના સુરક્ષા અધિકારીઓ આ દરમિયાન પાકિસ્તાનના સુરક્ષા કર્મચારીઓ સાથે પણ બેઠક યોજીને મંત્રણા કરશે.