વૃદ્ધે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ
રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે અને રખડતા ઢોરના કારણે અનેક લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે એટલું જ નહીં પરંતુ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પણ ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે.
ત્યારે વધુ એક બનાવમાં ગોંડલમાં વોકીંગમાં નીકળેલા વૃધ્ધને આખલાએ ઢીક મારી પછાડી દીધા હતાં. વૃધ્ધને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં જેતપુર રોડ પર આવેલી દાસીજીવણ સોસાયટીમાં રહેતા ઈશ્ર્વરભાઈ મનજીભાઈ પાડલીયા નામના 75 વર્ષના વૃધ્ધ સવારના સાતેક વાગ્યાના અરસામાં જેતપુર રોડ પર ચાલીને જતાં હતાં ત્યારે આખલાએ ઢીક મારી પછાડી દીધા હતાં.
ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ વૃધ્ધે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે
પ્રાથમિક પુછપરછમાં મૃતક ઈશ્ર્વરભાઈ પાડલીયા બે ભાઈ ચાર બહેનમાં નાના હતા અને હાલ નિવૃત્ત જીવન જીવતાં હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.ઈશ્ર્વરભાઈ પાડલીયા સવારના વોકીંગમાં નીકળ્યા હતાં ત્યારે આખલાએ ઢીક મારી પછાડી દેતાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.