ઘરેથી ભાગ લેવા જતો હતો ત્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાશી છૂટ્યો
શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર બેટી રામપરા ગામ પાસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં બેટી ગામે રહેતો ધો.8નો છાત્ર સાઇકલ લઇ ઘર નજીક દુકાને ભાગ લેવા જતો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે સાયકલને ઠોકરે લઇ નાશી છુટતા અકસ્માતમાં ઘવાયેલા છાત્રનું ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ તાલુકાના બેટી રામપરા ગામે રહેતો ઉદય રાજુભાઇ મકવાણા (ઉ.વ.14)નામનો સગીર ગત તા.14/9ના સવારે અગ્યાર વાગ્યના અરસામાં હાઇવે પર સાઇકલ લઇ ઘર નજિક આવેલી દુકાને ભાગ લેવા માટે જતો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે પુરપાર ઝડપે આવી સાઇકલને ઠોકરે ચડાવી નાશી છુટ્યો હતો. બનાવને પગલે સગીરના પરિવારજનો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પુત્રને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન આજે સવારે મોત નીપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હાથ ધરી હતી
પ્રાથમિક તપાસમાં મૃતક ઉદય ધો.8માં અભ્યાસ કરતો હોવાનું અને તેના પિતા રીક્ષા ચાલવી પરિવારનું ગુજરાન ચાલવતા હોવાનું જણાવા મળ્યું છે. પુત્રના મોતથી પરિવારજનોમાં કરૂણ કલ્પાંત છવાઇ જવા પામ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા વાહન ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.