રાજકોટ ગેમીંગ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં 27 લોકોના કરુણ મોતની ઘટના બાદ આજરોજ હાથ ધરવામાં આવેલી સુઓમોટો પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને અંગત રીતે પિડીત પરિવારોને વળતર આપવા બાબતે અને વર્ષ 2022માં હાઇકોર્ટને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવાની ખાતરી આપવા છતાં આ ઘટના બની હોવાથી હાઇકોર્ટના આદેશનું પાલન કેમ નથી કરવામાં આવ્યું તેનો જવાબ રજૂ કરવા કારણ દર્શક નોટીસ કાઢવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતુ કે, મ્યુનિસિપલ કમિશનરે પોતાની નિષ્ફળતા સ્વિકારીને બદલ કોર્ટની માફી માગવી જોઇએ.
બીજી બાજુ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગાઉના તેમની કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીઓ બાબતે 1800 થી વધુ પાનાની એફિડેવીટ હાઇકોર્ટે નકારી કાઢી હતી અને તેમને પરત ખેંચી હતી. આથી કોર્ટે પોતાના હુકમનો અનાદર અને પિડિતોને અંગત રીતે વળતર કેમ ના આપવું તે બાબતે જવાબ માંગીને આવતા શુક્રવારે વધુ સુનાવણી રાખી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત તા. 8 ફેબ્રુઆરી, 2022ના રોજ ફાયર સેફ્ટીને લઇને થયેલી જાહેર હિતની અરજીમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, તમામ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવશે અને નિતી નિયમોનું પાલન કરનારને ઇન્સ્પેક્શન અને બીજી પ્રક્રિયા પછી જ બીયુ પરમીશન આપવામાં આવશે.
પરંતુ તેમ છતાં ટીઆરપી ગેમીંગ ઝોનની આવી દુર્ઘટના બનતા અરજદાર એડવોકેટ દ્વારા બે વર્ષ પહેલા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવેલી ખાતરી અને તે મુજબ આપવામાં આવેલા આદેશનો ભંગ કરવામાં આવ્યો હોવાથી જે-તે મ્યુનિસિપલ કમિશનર સામે પગલા લેવા જોઇએ તેવી માગણી હાઇકોર્ટ સમક્ષ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગેમીંગ ઝોન અસ્તિત્વમાં આવ્યું અને દુર્ઘટના બની તે સમયગાળામાં અમીત અરોરા, આનંદ પટેલ અને ઉદિત અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા.
શું હતું એફીડેવીટ અને શું કહ્યું મ્યુનિસિપલ કમિશનરોની જવાબદારી વિશે
અગાઉ અરજદાર એડવોકેટ અમિત પંચાલે પોતાના દ્વારા કરવામાં આવેલી ફાયર સેફ્ટીના નિયમોના પાલન બાબતની જાહેર હિતની અરજીમાં (ઙઈંક/118/2020) રાજકોટ સહિત રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલી એફિડેવીટ અને તેના આધારે હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશ બાબતે ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠનું ધ્યાન દોર્યું હતું.
આ એફિડેવીટમાં હાઇકોર્ટ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે અગાઉ આપવામાં આવેલા આદેશો, નિતિ નિયોનું પાલન અને તમામ ઇમારતો આપત્તિ વ્યવસ્થાપન નિયમો મુજબની સુવિધા અને ઇમારતનું ઇન્સ્પેક્શન કર્યા બાદ યોગ્ય સત્તાધીશ તરફથી પ્રમાણપત્ર આપ્યા બાદ જ બીલ્ડીંગ યુઝ પરમીશન આપવાની ખાતરી આપી હતી. જેથી ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે અને ફાયર એનઓસી વગર બીયુ પરમીશન આપવામાં આવશે.
ત્યારબાદ કોર્ટે આન નિયમોનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો હતો. આ બાબત ધ્યાનમાં આવતા ચીફ જસ્ટીસે કહ્યું હતું કે આવા નિયમોમાં માત્ર કાયમી ઇમારતો જ નહી પરંતુ હંગામી ઇમારતોનો પણ સમાવેશ થાય છે. ટીઆરપી ગેમ ઝોનને તોડી પાડવાની નોટીસ આપવામાં આવી હતી પરંતુ તેનો અમલ કરાયો નહોતો.
મ્યુનિસિપલ કમિશનર તેમ ના કહી શકે કે તેમના તાબાના અધિકારીએ જાણ નહોતી કરી એટલે તેઓ જવાબદાર નથી અને ટાઉન પ્લાન અને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર દ્વારા આમ કરવામાં આવ્યું છે. અમે કોઇ એ કે બી મ્યુનિસિપલ કમિશનરની વાત નથી કરી રહ્યા પરંતુ સમગ્ર સિસ્ટમની વાત કરી રહ્યા છીએ. જ્યારે તેમણે સોગંધ ઉપર ખાતરી આપી હોય ત્યારે તેનું પાલન કરવું જોઇએ. તાબાના અધિકારીઓને ભલે જવાબદારીઓ આપવામાં આવી હતી પરંતુ તેમને નિરીક્ષણ કરવાની જરૂરિયાત તો હતી જ.
માાફી માગવી પડે, સંદેશ જવો જોઇએ નહિ તો સ્થિતી ઠેરની ઠેર રહેશે
હાઇકોર્ટ સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ બાબતે સંદેશ જવો જોઇએ જેથી અધિકારીઓ આવું બીજીવાર કરે નહી. જો કશું કરવામાં નહી આવે તો પોતાને સુરક્ષિત માનીને તેઓ રાજી જ રહેવાના છે. જો દાખલો નહી બેસાડવામાં આવે તો સ્થિતી ઠેરની ઠેર જ થઇ જવાની છે. તેમણે પોતાની જવાબદારી સમજીને કંઇક આપવું જોઇએ. તેમણે માફી માગવી જોઇએ. કોર્ટના આદેશનું વારંવાર અવગણના કરવામાં આવે છે.
અધિકારીઓ ભ્રમિત એફિડેવીટો દાખ કરે છે. આ બનાવ એટલા માટે બન્યો છે કે, તંત્ર ઉપર અંકુશ નથી. જો અંકુશ હોત તો આ દુર્ઘટના ટાળી શકાઇ હોત. જો સંસ્થાના વડા નબળા હોય અને અંકુશ ના હોય તો તેઓ પોતાને નિર્દોષ કહી શકે નહી. જો તેઓ પોતાની ફરજ ગંભીરતાથી બજાવે નહી તો તે દોષિત જ ગણાય. તેઓએ યોગ્ય કામગીરી કરવાની ખાતરી બે વર્ષ પહેલા જ આપી દીધી હતી.
આથી ફરજમાં બેદરકારી બદલ જવાબદાર ઠેરવવા માટે તેમને નોટીસ આપવી જોઇએ. એક બાજુ તંત્રમાં આટલા બધા છીંડા છે અને તેની ભૂલ સ્વિકારીને માફી માંગવી જોઇએ. તમે ભૂલ સ્વિકારતા નથી અને તમારી કામગીરીને યોગ્ય ઠરાવવાનો પ્રયાસ કરો છો. સવાલ એ છે કે તમે અગાઉ કોર્ટને ખાતરી આપી હતી અને હવે તેનો જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ કોર્ટે ઉપરોક્ત આદેશ કર્યો હતો.
ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીનો રિપોર્ટ હાઇકોર્ટે ધ્યાનમાં ના લીધો
હાઇકોર્ટના આદેશના આધારે રચવામાં આવેલી સત્ય શોધક સમિતિ દ્વારા રજૂ કરાયેલા અહેવાલને હાઇકોર્ટે ધ્યાનમાં લીધો નહોતો. આ અહેવાલમાં મ્યુનિસિપલ કમિશનરોને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા કારણ કે તેમના તાબાના અધિકારીઓએ તેમને ગેમીંગ ઝોન બાબતે માહિતી આપી નહોતી.
પંરતુ હાઇકોર્ટે આજે એવું જણાવ્યું હતું કે, અમે સમિતિનો રિપોર્ટ ધ્યાનમાં લઇશું નહી કારણ કે તેઓએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગાઉ આપવામાં આવેલી ખાતરી બાબતે કોઇ ફોડ પાડ્યો નથી.
કોઇપણ મ્યુનિસિપલ કમિશનરને હાઇકોર્ટના આદેશને અવગણવાની મંજૂરી આપી શકાય નહી. તેઓ એવું ના કહી શકે કે તાબાના અધિકારીએ જાણ કરી નહોતી, સત્તાઓ તેઓને આપવામાં આવી હતી એટલે નિર્દોષ છે.