કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન અંગે વળતો પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું, ‘રાહુલ ગાંધી કહે છે કે તેઓ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપશે. શું તેમની પાસે આવું કરવાની સત્તા છે? મે સંસદમાં કહ્યું છે કે ચૂંટણી બાદ યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશે.’
વિધાનસભા ચૂંટણીને પગલે અમિત શાહ જમ્મુ કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન જમ્મુમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું હતું કે, ‘કલમ 370 હટ્યા બાદ પહેલી વખત જમ્મુ-કાશ્મીરના લોકો વોટ આપવા જઈ રહ્યાં છે. હું પોતાના કાર્યકર્તાઓને કહેવા ઈચ્છું છું કે તેઓ નક્કી કરે કે વિપક્ષી ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જાય. આ ચૂંટણી ઐતિહાસિક છે. પહેલી વખત જમ્મુ-કાશ્મીરના લોકો એક જ ધ્વજના છાયડામાં વોટ આપવા જઈ રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાં કોઈ અલગ વડાપ્રધાન હશે નહીં. ભાજપે જ આતંકીઓને વીણી વીણીને માર્યા અને વર્ષો પછી અમરનાથ યાત્રા મુક્ત વાતાવરણમાં યોજાઈ છે.’
પથ્થરમારો કરનારની મુક્તિ ઈચ્છે છે કોંગ્રેસ
ગૃહ મંત્રીએ આગળ કહ્યું, ‘હું ઈચ્છું છું કે તમે તમામ મતદાનના દિવસે સવારે 11.30 વાગ્યા પહેલા મતદાન કરો. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પથ્થરમારો કરનારની મુક્તિ ઈચ્છે છે. તેઓ રાજૌરી અને પૂંછમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે. અમે ઉપદ્રવીઓને જેલમાં નાખી દીધાં છે. તેઓ ઈચ્છે છે કે એલઓસીની પાર વેપાર ફરીથી શરૂ થાય તેનાથી કોને ફાયદો થશે? આપણે શાંતિ સ્થાપિત થવા સુધી પાકિસ્તાન સાથે વાત કરીશું નહીં.’
અમિત શાહે એમ પણ કહ્યું કે, ‘તેઓ શંકરાચાર્ય હિલનું નામ બદલીને તખ્ત-એ-સુલેમાન રાખવા ઈચ્છે છે. શું તમે તેની પરવાનગી આપશો? ત્રણ પરિવારોએ જમ્મુ-કાશ્મીરને લૂંટ્યું છે. તેઓ જમ્મુને તેના અધિકારોથી વંચિત રાખવા ઈચ્છે છે. તેઓ જમ્મુ-કાશ્મીર માટે સ્વાયત્તતા ઈચ્છે છે. હવે કોઈ પણ તાકાત જમ્મુ-કાશ્મીરમાં સ્વાયત્તતાની વાત કરવાની હિંમત કરશે નહીં.’
રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં શું કહ્યું હતું?
રાહુલ ગાંધીએ 4 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં કહ્યું હતું કે ‘1947 બાદ પહેલી વખત એક રાજ્ય પાસેથી તેના અધિકાર છીનવાઈ ગયા છે. માત્ર કોંગ્રેસ પાર્ટી અને નેશનલ કોન્ફરન્સની જ નહીં, દરેક નાગરિકની જવાબદારી છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવે. ભાજપ-સંઘ કંઈ પણ કહે, અમે જમ્મુ-કાશ્મીરના લોકોને તેમનો રાજ્યનો દરજ્જો પાછો આપવા જઈ રહ્યાં છીએ.’
રાહુલે આગળ કહ્યું હતું, ‘તમારું માત્ર સ્ટેટ છીનવાઈ ગયું નથી, તમારા અધિકાર, તમારું ધન તમારું ધન પણ છીનવાઈ રહ્યું છે. 1947માં અમે રાજાઓને હટાવીને લોકતાંત્રિક સરકાર બનાવી. આજે જમ્મુ-કાશ્મીરમાં રાજા બેઠા છે. તેમનું નામ એલજી છે. ત્યાં એલજી 21મી સદીના રાજા છે. તેઓ જે ઈચ્છે છે, તે કરે છે. ત્યાંના લોકોને ન તો રોજગાર મળે છે અને ના કોઈ અન્ય લાભ. સરકાર આ બધું બહારના લોકોને આપે છે.’
આ તમામ વાતના અમિત શાહે જવાબ આપતા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આક્રમક પ્રહાર કર્યા હતા.