રાજકોટ સહિત રાજ્યભરમાં આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે હાલ મોબાઈલની મોકાણ સર્જાઈ હોય તેમ મોબાઈલ મુદ્દે ભાઈ-બહેન વચ્ચે ચાલતા ઝઘડા અને મોબાઈલ મુદ્દે માતા પિતા ઠપકો આપતા સંતાન આત્મઘાતી પગલાં ભરી રહ્યાં હોવાની ઘટનાઓ છાશવારે પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે રાજકોટમાં વાવડી વિસ્તારમાં આવેલા આવેલ શયન હાઈટસ પાસે આવાસ કવાટર્સમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી સગીરાને મોબાઈલ મુદ્દે નાની બહેન સાથે ઝઘડો થયો હતો. મોબાઈલ મુદ્દે થયેલી ઝઘડા અંગે નાની બહેને માતાને કહી દઈશ તેવું કહેતા ધો.12ની છાત્રાને લાગી આવતાં સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા વાવડી ગામ વિસ્તારમાં શયન હાઈટસની પાસે મનસુખભાઈ સખીયા આવાસ કવાર્ટસમાં રહેતી યશવીબેન નિલેશભાઈ ગોંડલીયા નામની 17 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે મધરાત્રે ચુંદડી વળે ગળેફાંસો ખાઈ લીધો હતો. સગીરાએ ગળેફાંસો ખાઈ લેતા પાડોશમાં બેસવા ગયેલા માતા-પિતા સહિતના પરિવારજનો અને આડોશી પાડોશી એકઠા થઈ ગયા હતાં અને સગીરાને લટકતી હાલતમાં જોઈ તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં અને સગીરાને નીચે ઉતારી હતી પરંતુ સગીરા બેહોશ હોવાથી સગીરાને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.
સિવિલ હોસ્પિટલમાં તબીબે સગીરાને મૃત જાહેર કરતાં પરિવારમાં કરૂણ આક્રંત છવાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતાં રાજકોટ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી સગીરાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
આ અંગે પ્રાથમિક પુછપરછમાં મૃતક યશવીબેન ગોંડલીયાના પિતા નિલેશભાઈ ગોંડલીયા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. યશવીબેન ગોંડલીયા બે બહેનમાં મોટી હતી અને ધો.12 અભ્યાસ કરતી હતી. આવાસ કવાર્ટસમાં 10માં માળે રહેતા નિલેશભાઈ ગોંડલીયા અને તેમની પત્ની ચોથા માળે રહેતા સંબંધીને ત્યાં રાત્રિનાં સમયે બેસવા માટે ગયા હતાં. તે દરમિયાન યશવીબેન ગોંડલીયા અને તેની નાની બહેન ખુશીબેન ગોંડલીયા વચ્ચે મોબાઈલ મુદ્દે ઝઘડો થયો હતો. જેથી ખુશીબેન ગોંડલીયાએ મોબાઈલ મુદ્દે થયેલી રકજકની માતાને જાણ કરી દેવાનું કહેતા યશવીબેન ગોંડલીયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બી.જે.ખેર સહિતના સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.