ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી રૂૂ.300 થી ઘટાડીને રૂૂ.50 કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.પશુપાલન મંત્રી રાઘવજી પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પશુપાલન વ્યવસાયલક્ષી દરેક નવી ટેક્નોલોજી ગુજરાતમાં ઝડપી સ્વીકૃત બને તેમજ પશુપાલકોને પણ નવી ટેકનોલોજી ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે ક્યારેય કચાશ રાખી નથી.
દરેક પશુપાલક ઈચ્છતો હોય છે કે, તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે. સેક્સડ સીમેન એટલે કે લિંગ નિર્ધારિત વિર્યના ઉપયોગથી આ બાબત શક્ય બનતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રાજ્ય સરકારે પાટણ ખાતે સેક્સડ સીમેન લેબોરેટરી કાર્યરત કરી છે. આ લેબમાં ઉત્પાદિત થતા સેક્સડ સીમેન ડોઝનાં ઉપયોગથી 90 ટકાથી વધુ વાછરડી અથવા પાડીનો જન્મ થતા રાજ્યમાં પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બની રહ્યો છે.મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, પાટણ ખાતે સેક્સડ સીમેન લેબોરેટરીમાં એક સેક્સડ સીમેન ડોઝના ઉત્પાદન માટેનો રાજ્ય સરકારનો પડતર ખર્ચ રૂૂ.710 જેટલો છે.રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી તૈયાર થયેલા સીમેન ડોઝ પશુપાલકોને ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા એક ડોઝ માટે માત્ર રૂૂ.300 ફી નિર્ધારિત કરવામાં આવી હતી.
સેક્સડ સીમેન ટેકનોલોજીને રાજ્યના પશુપાલકો બહોળા પ્રમાણમાં અપનાવે તે માટે રાજ્ય સરકારે આ ફીમાં ધરખમ ઘટાડો કરીને માત્ર રૂૂ.50 ફી કરવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણયથી લાંબાગાળે પશુ દીઠ ઉત્પાદકતામાં વધારો થશે.સેક્સડ સીમેન ડોઝથી મહત્તમ પ્રમાણમાં માદા બચ્ચાનો જન્મ થતો હોવાથી પશુપાલકને નર બચ્ચાના પાલન પોષણનો ખર્ચ ઘટે છે. સાથે જ, પશુપાલકો પોતાની પાસે ઉપલબ્ધ ખાણ કે ઘાસચારાનો ઉપયોગ ફક્ત માદા પશુઓના ઉત્તમ પાલન પોષણ માટે કરી દૂધ ઉત્પાદન તેમજ પોતાની આવકમાં વધારો કરી શકે છે. આ ઉપરાંત વધુ માદા બચ્ચાઓના જન્મ થવાથી પશુપાલકોને બહારથી નવા પશુઓ ખરીદવા નથી પડતા અને બહારથી ખરીદાતા પશુઓથી ફેલાતા રોગોને અટકાવવામાં પણ મદદ મળે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.