રાજ્યના ગૃહ વિભાગમાં ચાલતી લાલીયાવાડીનો વધુ એક નમુનો જાહેર થયો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાનું અમદાવાદ પોલીસ વિભાગની હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતીની યાદીમાં નામ જાહેર થતાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ગોપાલ ઈટાલીયા 10 વર્ષ પૂર્વે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે રાજીનામુ આપ્યા બાદ રાજકીય રીતે સક્રિય થયા હોય છતાં 10 વર્ષ સુધી તેમનું નામ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ચાલુ હોવાથી પોલીસ વિભાગની પોલ ખુલી પડી છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડકોન્સ્ટેબલના પ્રમોશનની યાદી ગઈકાલે જ જાહેર કરવામાં આવી હતી જેમાં ગોપાલ ઈટાલીયાનું નામ પણ શામેલ હોવાના કારણે પોલીસ ખાતામાં આશ્ચર્યનો માહોલ સર્જાયો છે. વર્ષ-2015માં ગોપાલ ઈટાલીયાએ પોલીસ કોન્સ્ટેબલ તરીકે રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-2024ના પ્રમોશનના લિસ્ટમાં ગોપાલ ઇટાલીયાનું નામ આવતા પોલીસ વિભાગમાં ચાલી રહેલી લાલીયાવાડી સામે આવી છે
જો 2015માં રાજીનામું આપ્યા પછી પણ ગોપાલ ઈટાલીયાનું નામ પોલીસના ચોપડે ચાલુ હોય તો પ્રશ્ન એ છે કે, શું ગોપાલ ઈટાલીયાના નામે કોઈએ આટલા વર્ષો સુધી પગાર લીધો છે કે કેમ? ગોપાલ ઈટાલિયાને મળેલું પ્રમોશન પોલીસ વિભાગની લાલિયાવાડી સામે અનેક સવાલો ઊભા કરે છે. આ બાબતે લોકોએ હર્ષ સંઘવીની સોશિયલ મીડિયામાં ખુબ ટીકા કરી હતી. અમદાવાદ પોલીસ સંયુક્ત કમિશનર દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટના ક્રમ નંબર :- 726 ઉપર ગોપાલ ઈટાલીયાનું નામ છે. આ મામલે આમ આદમી પાર્ટીએ ગૃહ રાજ્ય મંત્રી અને પોલીસ વિભાગ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.