Ahmedabad : રાજ્યમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે. આજે સાંજે 5 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદની શરૂઆત થઇ હતી. ગાજવીજ અને વિજળી કડાકા સાથે વરસાદ શરૂ થતાં અનેક વાહન ચાલકો રસ્તા પર ઉભા રહી જવું પડ્યું હતું. આ ઉપરાંત, થોડી જ વારમાં પૂર્વ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. રસ્તા પર પાણી ભરાઇ જતાં અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
અમદાવાદના આ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સાંજે અમદાવાદના વટવા, મણિનગર, ઇસનપુર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યારે સરખેજ, મકરબા, પ્રહલાદ નગર, ઈસ્કોન, પકવાન ચાર રસ્તા, થલતેજ, શીલજ, બોપલ, સાયન્સ સિટી રોડ, કોર્મસ છ રસ્તા, ગુજરાત, યુનિવર્સિટી, ચાંદખેડા, ગોતા સહિતના વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હતા, આ ઉપરાંત ગાંધીનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડવાનું શરૂ થતાં ટુ-વ્હીલર ચાલકોએ રસ્તા કિનારે ઉભા રહી જવાની ફરજ પડી હતી.
હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદને આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે (2 સપ્ટેમ્બરે) દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમદાવાદના વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે.
આવતી કાલની (3 સપ્ટેમ્બર) આગાહી
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે 3 સપ્ટેમ્બરે અતિભારે વરસાદને પગલે ભરૂચ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.