સીટીબસ અને બીઆરટીએસ બસમાં ધાંધલી ચાલતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠવા પામી છે. અગાઉ ચેકીંગ દરમિયાન ગેરરીતિ કરતા તેમજ બેદરકાર કંડક્ટર અને ડ્રાઈવરોને સસ્પેન્ડ કરાતા હતા તેમજ એજન્સીઓને નોટીસ અપાતી હતી પરંતુ હવે ઘણા સમયથી ચેકીંગ કામગીરી બંધ હોય ફરિયાદો વધવા લાગતા મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ આજે બીઆરટીએસ બસમાં ટીકીટ લઈને મુસાફરી કરી હતી. તપાસ કરતા ટીકીટ બુકિંગ મશીન બંધ હોવાનું અને સીસીટીવી કેમેરા કામ ન કરતા હોવાનું જણાતા બીઆરટીએસનું સંચાલન કરતા 6 સુપરવાઈઝરોને નોટીસ આપી ખુલાસો પુછતાં ચકચાર મચી ગયેલ છે.
મહાનગરપાલિકા સંચાલિત સીટીબસ સેવા અને બીઆરટીએસ રૂટ ઉપર દોડતી બસોમાં એજન્સીના માણસો દ્વારા ભારે બેદરકારી દાખવતી હોવાની ફરિયાદોના આધારે વખતો વખત ચેકીંગ કામગીરી કરવામાં આવતી હતી પરંતુ ઘણા સમયથી આ કામગીરી બંધ કરાતા બેદરકારોને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ ફરી વખત બન્ને બસસેવાઓમાં ફરિયાદો ઉઠતા મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ આજે બીઆરટીએસ રૂટ ઉપર નનામૌવા બસસ્ટોપ ખાતે પહોંચ્યા હતાં. ત્યાં સામાન્ય નાગરિકની માફક તપાસકરતા માલુમ પડેલ કે, સીસીટીવી કેમેરાઓ ઘણા સમયથી બંધ હોવાનું જાણવા મળેલ છે.
આથી કમિશનરે ટીકીટ લઈને બીઆરટીએસ બસમાં બેસી મુસાફરી કરવાનો નિર્ણય લીધો હતો મુસાફરી દરમિયાન ક્ધડક્ટર પાસેથી ટીકીટની માંગણી કરતા ટીકીટ મશીન બંધ હોવાનું જણાવ્યું હતું. આથી બીઆરટીએસ રૂટ ઉપર એજન્સી દ્વારા ભારે બેદરકારી દાખવતી હોવાનું બહાર આવ્યું હતું. આથી બીઆરટીએસ બસ સેવાનું સંચાલન કરતી એજન્સી તેમજ મહાનગરપાલિકા દ્વારા નિયત કરેલા સુપરવાઈઝરો અને અધિકારીઓને બોલાવી આ પ્રકારની કામગીરી કેટલાક સમયથી ચાલી રહી છે. તેમજ ટીકીટ મશીન બંધ હોવા છતાં તેની જાણ ઉચ્ચ અધિકારીઓને કેમ નથી કરાઈ અને સીસીટીવી કેમેરા કેટલાક સમયથી અને શા માટે બંધ છે તે સહિતના મુદ્દે છ સુપરવાઈઝરોને નોટીસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ આજે ટીકીટ લઈને બીઆરટીએસ રૂટની બસમાં મુસાફરી કરી બંધ ટીકીટ મશીન અને બંધ થઈ ગયેલા સીસીટીવી કેમેરા શોધી કાઢી છ સુપરવાીઝરોને નોટીસ ફટકારતા બેદરકાર અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો તેવી જ રીતે એજન્સીના ઉચ્ચ અધિકારીઓ પણ હાફડાફાફડા થઈ બીઆરટીએસ રૂટ ખાતે દોડી ગયા હતાં.